
બાબુ સોલંકી :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના પાટી ગામે દાહોદ એક્સપ્રેસ પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતાં રવિ પાકોમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકસાન
પાઇપલાઇનમાં ભંગાણ હોવા બાબતે રજૂઆત થતા રીપેરીંગ ની તકલાદી કામગીરીથી વેડફાતા પાણીમાં કોઈ સુધાર નહીં
પાટી ગામે ખેડૂતોના ઉભા ઘઉં, ચણાની ખેતીમાં પાણી ફરી વળતાં હજારોનું નુકસાન પહોંચી રહ્યું હોવાથી ખેડૂતોમાં રોષ
સુખસર,તા.૩
ફતેપુરા તાલુકામાંથી પસાર થતી કડાણા દાહોદ એક્સપ્રેસ પાણીની પાઇપ લાઇનમાં અવાર-નવાર ભંગાણ સર્જાતા ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.ત્યારે હાલ છેલ્લા દસેક દિવસથી ફતેપુરા તાલુકાના પાટી ભોજેલાથી પસાર થતી આ લાઈનમાં ભંગાણ સર્જાતા તેની જવાબદાર તંત્રને જાણ કરાતા રીપેરીંગ કામગીરી કરવામાં આવી હતી.પરંતુ તકલાદી રીપેરીંગ કામગીરીના કારણે વેડફાઇ રહેલા પાણીમાં કોઈ સુધાર નહીં આવતા હાલ ખેડૂતોના રવિ સિઝનના ઘઉં તથા ચણાના ખેતી પાકોમાં પાણી ભરાતા ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચવા પામી રહ્યું હોવાનું જાણવા મળે છે.ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક વેડફાતા પાણીને બંધ કરી ખેડૂતોને થતા નુકસાનથી બચાવવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામેલ છે.
છેલ્લા આઠેક દિવસથી કોમોસમી વરસાદના કારણે રવિ સિઝનની ખેતીમાં ખેડૂતોને નુકસાન જવાનો ભય ઊભો થવા પામેલ છે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ,ખાતર લાવી પોતાની ખેતીવાડીમાં ઘઉં ચણા જેવા રવિ સિઝનની ખેતી પાકોની વાવણી કરી રહ્યા છે.ત્યારેજ જે લાઇનથી જે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી અને જેનો સ્થાનિક ખેડૂત લોકોને કોઈ જ લાભ ન હોય તેવી કડાણા થી દાહોદ જતી પાણીની એક્સપ્રેસ લાઈનમાં ભંગાણ સર્જાય છે.જેના લીધે અવાર-નવાર ખેડૂતોને ખેતીમાં નુકસાની ભોગવવાનો વારો આવે છે.અને તેવી જ રીતે હાલમાં પણ આ પાણીની પાઇપ લાઇનમાં પાટી,ભોજેલા થી પસાર થતી લાઈનમાં હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે.જેના લીધે આસપાસમાં આવેલા ખેતરોમાં આ પાણી રેલાતા રવિ પાકોમાં ખેડૂતોને હજારો રૂપિયાનું નુકસાન પહોંચી રહ્યું છે.ત્યારે પાટી ગામે કડાણા થી દાહોદ જતી પાણીની એક્સપ્રેસ લાઇનમાં સર્જાયેલ ભંગાણ તાત્કાલિક રીપેરીંગ કરી વેડફાતું પાણી બચાવાય તેમજ ખેડૂતોના ખેતરોમાં થઈ રહેલું નુકસાન અટકાવવામાં આવે તે બાબતે લાગતા- વળગતા તંત્રએ તાકીદે ધ્યાન આપવાની જરૂરત છે.
અમારા પાટી,ભજેલા ગામેથી પસાર થતી કડાણા દાહોદ પીવાના પાણીની એક્સપ્રેસ પાઇપ લાઈનમાં છેલ્લા દસેક દિવસથી ભંગાણ સર્જાતાં હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે. તેમ જ આ પાણી અમારા રવિ સિઝનના ખેતીમાં ભરાઈ જતા અમારા ખેતી પાકોને મોટું નુકસાન થઈ રહ્યું છે. અને આ પાઇપલાઇન બાબતે અમોએ તંત્રને જાણ કરતા તેની રીપેરીંગ કામગીરી કરવામાં આવી હતી.પરંતુ આ કામગીરી વ્યવસ્થિત નહીં કરાતા હાલમાં પણ પાણી વેડફાઈ રહ્યું છે.અને અમારી ખેતી પાકોનો નાશ થઈ રહ્યો છે.
(વિનેશભાઈ ચારેલ,સ્થાનિક,પાટી ખેડૂત)