બાબુ સોલંકી ફતેપુરા
ફતેપુરા તાલુકાના સાગડાપાડામાં વિજ કરંટ લાગતા 35 વર્ષીય યુવાનનું મોત
વિજ થાંભલા પાસે મૂકેલું લોખંડનું હળ લેવા જતાં યુવાનને વિજ કરંટ લાગ્યો હતો.
( પ્રતિનિધિ ) સુખસર,તા.21
ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે આજ રોજ સવારના સાતેક વાગ્યાના અરસામાં મકાનની બહાર વીજ પોલ પાસે મૂકેલું લોખંડનું હળ લેવા જતા ઉતરેલા વીજ પ્રવાહના કારણે હળને પકડતા જ 35 વર્ષીય યુવાનને વીજ કરંટ લાગ્યો હતો.જેથી તાત્કાલિક આ યુવાનને સુખસર સરકારી દવાખાનામાં લઈ જવાતા ફરજ ઉપરના તબીબે યુવાનને મરણ ગયેલ જાહેર કર્યો હતો.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના ટીમરણ ફળિયામાં રહેતા દિતાભાઈ લૂજાભાઈ ગરાસીયા (ઉંમર વર્ષ આશરે 35)ના ઓ ખેતીવાડી દ્વારા પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા.જેઓ આજરોજ સવારના 7:00 વાગ્યાના અરસામાં પોતાના ખેતરમાં હળ જોડવા માટે મકાન પાસે આવેલ વીજ થાંભલા પાસે મુકેલ લોખંડનું હળ (ઘાણીયો) લેવા ગયા હતા.ત્યારે લોખંડના હળને પકડતાજ દિતાભાઈ ગરાસીયાને વીજ કરંટનો જોરદાર ઝાટકો લાગ્યો હતો.વીજ પોલ ઉપરથી જમીન ઉપર ઉતરેલા વીજ પ્રવાહથી અજાણ દિતાભાઈ ગરાસીયા વીજ પ્રવાહથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેની ઘરના સભ્યોને જાણ થતાં અને બુમાબુમ કરતા આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા.અને તાત્કાલિક ખાનગી વાહન દ્વારા સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ ઉપરના તબીબે દિતાભાઈ ગરાસીયાને મરણ ગયેલ હોવાનું જાહેર કર્યા હતા.મૃતક દિતા ભાઈ ગરાસીયાને બે નાનાં બાળકો છે.અને જેઓનું અકાળે આકસ્મિક મોત નીપજતાં પરિવારનો જુવાન જોધ યુવાન મોતને ભેટતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે મૃતક દિતાભાઈ ગરાસીયાના ભાઈએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પંચકેશ કરી સુખસર સરકારી દવાખાનામાં પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.