બાબુ સોલંકી :- સુખસર
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો: માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી માત્ર કાગળ પૂરતી સિમિત..??
ફતેપુરા તાલુકાના કાળીયા ગામે રોડ પર પુરપાટ દોડતા છકડા તેમજ બાઈક વચ્ચે અકસ્માતમાં એકનુ મોત: એક ઈજાગ્રસ્ત…
દાહોદ તા.૧૩
ફતેપુરા તાલુકાના કાળીયા ગામે રોડ પર પુરપાટ દોડી જતો થ્રી વ્હીલ છકડો તેના ચાલકની ગફલતને કારણે સામેથી આવતી મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર ચાલક સહીત બે જણા પૈકી ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યાનું તથા અન્ય એકને શરીરે નાની મોટી ઈજાઓ થયાનું તથા છકડાનો ચાલક સ્થળ પર જ છકડો મુકી નાસી ગયાનું જાણવા મળ્યું છે.
૩૦ વર્ષીય પીન્ટુભાઈ કનુભાઈ પારગી તથા તેના ગામનો એક ઈસમ એમ બંને ગઈકાલે રાતે આઠેક વાગ્યાના સુમારે પોતાની જીજે-૩૫ એ-૪૮૯૭ નંબરની મોટર સાયકલ લઈને ધાણી ખુંટ ગામે જઈ રહ્યા હતા. તે દરમ્યાન રસ્તામાં કાળીયા ગામે રોડ પર સામેથી પુરપાટ દોડી આવતાં થ્રીવ્હીલ છકડાના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દઈ મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલક મોટી ઢઢેલી ગામના પટેલ ફળિયામાં રહેતા ૩૦ વર્ષીય પીન્ટુભાઈ કનુભાઈ પારગીને માથામાં ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે મોટર સાયકલ પર પાછળ બેઠેલ ઈસમને શરીરે નાની મોટી ઈજાઓ થતાં તેને સારવાર માટે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યારે છકડાનો ચાલક તેના કબજાનો છકડો સ્થળ પર મૂકી નાસી ગયો હતો.
આ સંબંધે મોટી ઢઢેલી ગામના પટેલ ફળિયામાં રહેતા શાંતીભાઈ ભુરાભાઈ પારગીએ સુખસર પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે થ્રી વ્હીલ છકડાના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.