કપિલ સાધુ સંજેલી
સંજેલી તાલુકાના પિછોડા ગામે રાહદારી યુવકને અપાચી મોટરસાયકલના ચાલકે પાછળથી જોશભેર ટક્કર મારતા રાહદારી યુવકનું મોત..
સંજેલી તા.23
જિલ્લાના સંજેલી તાલુકાના પીછોડા ગામે પોતાના ઘર તરફ જતા યુવકને અપાચી મોટર સાયકલે પાછળથી ટક્કર વાગતાં અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ.જોકે ચાલક બાઈક સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો.
સંજેલીમાં એક મોટર સાયકલ ચાલક તેના કબજાની જીજે-20 બી.સી.-7598 નંબરની અપાચી મોટર સાયકલ સવારે સાડા સાત વાગ્યાના સુમારે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જતો હતો. ત્યારે પોતાના ઘર તરફ આવવા નીકળેલા પીછોડા ગામના નાળ ફળિયામાં રહેતા મુકેશભાઈ હીરાભાઈ બારીયાને પાછળથી જોશભેર ટક્કર મારી મોટર સાયકલ સ્થળ પર જ મૂકી ભાગી ગયો હતો. જ્યારે રોડ પર પટકાયેલા મુકેશભાઈ બારીયાને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી ઘટનાની જાણ સંજેલી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃત્તક મુકેશભાઈ બારીયાની લાશનું પંચો રૂબરૂ પંચનામુ કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે સંજેલી સરકારી દવાખાને મોકલી આપી સ્થળ પર પડેલ અપાચી મોટર સાયકલ કબ્જે લીધી હતી. મૃતકના ભાઈ હરેસિંહભાઈ હિરાભાઈ બારીયાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.