
દાહોદ શહેરના ગાંધીચોક વિસ્તારમાં બિલ્ડીંગના ધાબા પરથી અજાણ્યા ઈસમે કૂદકો મારતા મોતને ભેટ્યો…
ધાબા પરથી વીજ લાઈન પર કુદેલો યુવકને વીજ કરંટ લાગતા સ્ટ્રીટ લાઈટ ડૂલ થઈ, વીજલાઇન પરથી જમીન પર પટકાયા બાદ માથાના ભાગે ગંભીરતાઓ પહોંચતા યુવક મોતને ભેટ્યો..
સ્થાનિક પોલીસે યુવક ની શોધખોળ આદરી…
યુવક ધાબા પર કેવી રીતે અને શું કામ આવ્યો.? તાજેતરમાં આ વિસ્તારમાં ચોરીના બનાવ બનતા આ યુવક ચોરી કરવાના ઇરાદે આવ્યો હોવાની ચર્ચાઓ...
દાહોદ તા.07
દાહોદ શહેરના ગાંધી ચોક ખાતે એક બિલ્ડીંગના ધાબા પરથી 20 થી 25 વર્ષની ઉંમર ધરાવતા અજાણ્યા ઇસમે ધાબા પરથી કૂદકો મારતા જીઇબીની ઇલેક્ટ્રીક લાઈન પર પડતા ઈલેક્ટ્રીક શોકની સાથે આ વિસ્તારની વીજળી ડૂલ થઈ જવા પામી હતી. તેમજ ઈલેક્ટ્રીકના વાયર પરથી જમીન પર પટકાયેલા આ ઉપરોક્ત ઈસમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાબડતોડ દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પહોંચે તે પહેલા તેના પ્રાણ પખેરૂ ઉડી ગયા હતા.
દાહોદ શહેરના ગાંધી ચોક વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગના ધાબા પરથી આશરે 20 થી 25 વર્ષની ઉંમર ધરાવતો એક અજાણ્યા ઇસમે કૂદકો મારતા તે ઈસમ વીજ વાયર પર પડ્યો હતો જેના પગલે આ વિસ્તારની સ્ટ્રીટ લાઈટ ડુલ થઈ જવા પામી હતી.બીજી તરફ બિલ્ડીંગના ધાબા પરથી પડેલા અજાણ્યો ઈસમ વીજળીના તાર પર પડ્યો હતો જેના પગલે કરંટ લાગતા જમીન પર પટકાયો હતો. જેના પગલે તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજવા પામ્યુ હતું. ઘટનાની જાણ વાયુવેગે નગરમાં પ્રસરતા ઘટના સ્થળે લોકોના ટોળા ટોળા વળી ગયા હતા. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટોળાને વેર વિખેર કરી મરણ જનાર અજાણ્યા ઇસમની શોધખોળ અંગે તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આશરે 20 થી 25 વર્ષની ઉંમર ધરાવતો આ અજાણ્યો યુવક નિર્માણાધીન બિલ્ડીંગ પર શું કામ ગયો હતો.? તે તપાસનો વિષય છે બીજી તરફ થોડા દિવસ પહેલા એમ જી રોડ પર ઘર પર ચોરીની બનાવ બન્યો હતો. જેના પગલે આ યુવક બિલ્ડીંગના ધાબા પર ચોરી કરવાના ઇરાદે ચડ્યો હતો.? જેવી તરેહ તરેહની ચર્ચાઓએ હાલ જોડ પકડ્યું છે. જોકે ઘટના સંબંધી પોલીસે યુવકની ઓળખ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.