
દાહોદ ખાતે શ્રી વિઠ્ઠલનાથજી (ગુસાંઈજી) મહાપ્રભુજી પ્રાગટ્યોત્સવની ઉત્સાહપૂર્ણ ઉજવણી થઈ…
માગશર વદ: ૯ ને તા.૧૭.૧૨.’૨૨ ને શનિવારે પુષ્ટિમાર્ગ પ્રવર્તક જગતગુરૂ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના દ્વિતિય આત્મજ શ્રી વિઠ્ઠલનાથજી (ગુસાંઈજી)ના ૫૦૮ મા પ્રાગટ્યોત્સવના પાવન પર્વે દાહોદના વૈષ્ણવો દ્વારા શોભાયાત્રા સહ મહાપ્રસાદના આનંદોત્સવનું સરસ આયોજન થયું હતું.
આ પ્રસંગપર્વે તા.૧૭.૧૨.’૨૨, શનિવારે સાંજે દેસાઈવાડ સ્થિત શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતેથી દ્વિતિય પીઠાધિશ્વર વૈષ્ણવાચાર્ય પ.પૂ. ૧૦૦૮ શ્રી કલ્યાણરાયજી મહારાજશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પરંપરાગત વસ્ત્રો પરિધાન કરેલ વૈષ્ણવો દ્વારા ગુજરાતીવાડ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. બાદમાં શ્રી પી.એમ.કડકીયા દ.વ.સ. સંસ્કાર કેન્દ્ર ખાતે આયોજક સમિતિ દ્વારા મહાપ્રસાદ (જલેબી ઉત્સવ) યોજાયો હતો. જેનો લાભ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લીધો હતો. આ કાર્યક્રમમાં દાહોદના નવનિયુક્ત ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને દાહોદ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન.લાઠીયા પણ ઉત્સાહભેર જોડાયા હતા. જેઓએ બાદમાં દેસાઈવાડ હવેલી ખાતે વૈષ્ણવાચાર્યના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા