વિઘ્નહર્તાના વિસર્જનમાં વિઘ્ન..??વિસર્જન સ્થળને લઇ છેલ્લા પાંચ વર્ષથી નિષ્ફ્ળ ગયેલી પાલિકા આ વર્ષે પણ વિસર્જન સ્થળ નક્કી કરવામાં અવઢવમાં:આખરે ગણેશ વિસર્જન ક્યાં થશે.? ગણેશ મંડળો સહિત શહેરીજનો દ્વિધામાં..!!

Editor Dahod Live
5 Min Read

વિઘ્નહર્તાના વિસર્જનમાં વિઘ્ન..??વિસર્જન સ્થળને લઇ છેલ્લા પાંચ વર્ષથી નિષ્ફ્ળ ગયેલી પાલિકા આ વર્ષે પણ વિસર્જન સ્થળ નક્કી કરવામાં અવઢવમાં 

આખરે ગણેશ વિસર્જન ક્યાં થશે.? ગણેશ મંડળો સહિત શહેરીજનો દ્વિધામાં..!!

ગણપતિની મૂર્તિ વિસર્જન ને લઇ વહીવટી તંત્ર નગરપાલિકા તંત્રમાં બાઈ બાઈ ચારણી જેવો ઘાટ સર્જાયો

વહીવટી તંત્ર દ્વારા મૂર્તિ વિસર્જન કરવા નક્કી કરાયેલા સ્થળ પર કેટલાક વિઘ્ન આવતા આ મામલો પાલિકાને શોર્ટ આઉટ કરવા મોકલી આપ્યો

દાહોદ તા.06

સ્માર્ટ સીટી દાહોદમાં આમ તો તૂટેલા અને બિસ્માર રસ્તાઓ, ગંદકી, પીવાના પાણીની સમસ્યા સહીતની ઘણી બધી સમસ્યાઓનાને લઇ શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે.પરંતુ આ વખતે વિઘ્નહર્તાના વિસર્જનને લઇ શહેરીજનો દ્વિધામાં પડી ગયા છે. પર્યાવરણની ગાઇડલાઇનને લઇ છેલ્લા 5 વર્ષથી છાબ તળાવમાં મૂર્તિ વિસર્જન કરવા પર પ્રતિબંધ ફરમાવતા ગણેશ મંડળો તેમજ શહેરીજનો છેલ્લા પાંચ વર્ષથી મૂર્તિ વિસર્જન ને લઇ દર વર્ષે દ્વિધામાં મુકાઈ જાય છે. ઐતિહાસિક છાબ છાબ તળાવમાં મૂર્તિ વિસર્જન કરવા પર પ્રતિબંધ બાદ પાલિકા તંત્ર છેલ્લા પાંચ વર્ષથી મૂર્તિઓ વિસર્જન કરવા માટે કૃત્રિમ તળાવ અથવા અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં વામણી પુરવાર થઈ છે.ત્યારે આ વખતે પણ ગણપતિ વિસર્જન ને માંડ ગણતરીના ત્રણ થી ચાર દિવસો બાકી રહ્યા છે.ત્યારે પાલિકા તંત્ર મૂર્તિ વિસર્જન કરવા માટે સ્થળ પસંદગીના હાલ પૂરતી કોઈ યોગ્ય વ્યવસ્થા ન કરી શકતા દાહોદ શહેરના ગણેશ મંડળો તેમજ શહેરીજનો આ વખતે મૂર્તિ વિસર્જન ક્યાં કરશે..? તે એક યક્ષપ્રશ્ન સૌ કોઈમાં ઉઠવા પામ્યો છે.

આ વર્ષે ગણેશ મંડળો દ્વારા છાબ તળાવમાં ગણપતિ વિસર્જન કરવા તેમજ પરંપરાગત રૂટ મુજબ શોભાયાત્રા કાઢવા માટે માટે મક્કમ બનતા વિસર્જનનો મુદ્દો ઘેરાયો હતો.જેને ધ્યાને લઇ પાલિકા તંત્રે છાબ તળાવ કલેક્ટરશ્રીના અંડરમાં આવતો હોવાથી આ સમગ્ર પ્રક્રિયા કલેક્ટરશ્રીના માથે ઢોળી દીધી હતી.ત્યારબાદ ગણેશ વિસર્જન ને લઈ પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ ગણેશ મંડળો વચ્ચે એક રીવ્યુ મિટીંગ યોજાઈ હતી.જેમાં દાહોદના ચંદન તલાવડી, તેમજ ઝાયડસ હોસ્પિટલના બાજુમાં કૃત્રિમ તળાવ ઉભા કરી ગણેશ વિસર્જનની સ્થળ પસંદગી તેમજ રૂટ અંગે લાંબી ચર્ચાઓ થયા બાદ આખરે ગણેશ મંડળો મૂર્તિઓનું વિસર્જન છાબ તળાવ ખાતે કરવા માટે મક્કમ બનતા આ મુદ્દો કલેકટર પાસે પહોંચ્યો હતો. ત્યારબાદ કલેક્ટરશ્રી ની અધ્યક્ષતામાં દાહોદ શહેરના ગણેશ મંડળો, પોલીસ તંત્ર નગરપાલિકાના પદાધિકારીઓ, ગામના અગ્રણીઓ, આગેવાનો તેમજ પત્રકારો વચ્ચે એક મિટિંગ યોજાઈ હતી. જેમાં કેટલાય ગરમા ગરમીના દ્રશ્યો તેમજ પર્યાવરણની ગાઈડલાઈન તથા અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ પર વિચાર વિમર્શ કરી કલેકટર કચેરીના બાજુમાં લાખો રૂપિયાના ખર્ચે કૃત્રિમ તળાવ ઉભો કરી મૂર્તિ વિસર્જન કરવા માટે સ્થળ નક્કી કરાયો હતો. જે બાદ આ કૃત્રિમ તળાવ બનાવવામાં કેટલાક વિઘ્ન આવતા આ કૃત્રિમ તળાવ બનાવવા માટેનું કાર્ય પડતું મુકાયું હતું. ત્યારબાદ અન્ય એક જગ્યાએ વહીવટી તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ બનાવવા માટેનો કાર્ય શરૂ કરાતા આ કાર્યમાં પણ વિઘ્ન આવ્યો હતો. ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા મૂર્તિ વિસર્જન સ્થળ પસંદગીનો ટોપલો પુનઃ નગરપાલિકા પર ઢોળી દીધો છે.ત્યારે છેલ્લા પાંચ વર્ષથી દાહોદ નગરપાલિકા મૂર્તિ વિસર્જન કરવા માટે કૃત્રિમ તળાવ કે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નિષ્ફળ પુરવાર થઈ છે ત્યારે આ વખતે પણ ગણપતિ વિસર્જનને માંડ ત્રણ કે ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા છેલ્લી ઘડીએ ઊંઘમાંથી જાગી ગણપતિ વિસર્જન કરવા માટે સ્થળ પસંદગીની પ્રક્રિયામાં જોતરાઈ છે. ત્યારે ભૂતકાળમાં છેલ્લી ઘડીના કરેલા આયોજન બાદ પ્રજાના પૈસાના પાણી કરી તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવની દુર્દશા પણ થઈ હતી. તેમજ આસપાસમાં ગંદકી ભર્યો વાતાવરણ ધરાવતા કૃત્રિમ તળાવ પર વિસર્જન કરવાનું ટાળ્યું હતું.ત્યારે ત્યારે વિઘ્નહર્તાના વિસર્જનને લઇ એક તરફ ગણેશ મંડળો દ્વિધામાં મુકાઈ ગયા છે ત્યારે બીજી તરફ શહેરીજનો પણ આખરે ગણેશ વિસર્જન ક્યાં થશે..?તે વિષય ઉપર ચિંતાતુર થયા છે ત્યારે પાલિકા તંત્ર દર વર્ષે છેલ્લી ઘડીએ વિસર્જન સ્થળની પસંદગી કરવાની જગ્યાએ મૂર્તિ વિસર્જન કરવા માટેના સ્થળ પસંદગી માટે આગોતરું આયોજન કરી અને કાયમી ધોરણે મૂર્તિ વિસર્જન કરવા માટેનો કૃત્રિમ તળાવ કે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તેમજ દાહોદ શહેરમાં ગણપતિ વિસર્જનની નીકળતી શોભાયાત્રા નો રૂટ પણ કાયમી રહે સાથે સાથે મૂર્તિ વિસર્જન કર્યા બાદ કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તેમજ સંપૂર્ણ વ્યવસ્થાની સાથે વિધિ વિધાન પૂર્વક વિઘ્ન હર્તાનું વિસર્જન થાય એ રીતે કૃત્રિમ તળાવ તૈયાર થાય તે બધા વિષયોને ધ્યાનમાં રાખી ઘટતું કરે તેવી લાગણી અને માંગણી પ્રવર્તમાન સંજોગોમાં ઉઠવા પામી છે.

Share This Article