
રાજેન્દ્ર શર્મા :- દાહોદ
દાહોદ તા 16
દાહોદ નગરપાલિકા તંત્ર દ્વારા આજરોજ એક્શનમાં આવી શહેરના રાજમાર્ગો પર દુકાનદારો દ્વારા દબાણકર્તા પાલિકા તંત્ર દ્વારા દબાણ દૂર કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં હતી. જયારે બીજી તરફ પાલિકાતંત્રના સત્તાધિશો દ્વારા શહેરના દર્પણરોડ પર આવેલા સર્વે નંબર 85 માં નગરપાલિકા હસ્તકના શોપિંગ કોપ્લેક્સમાં દુકાનદારોનો ભાડુ તેમજ ટેક્સ બાકી નીકળતા પાલિકા તંત્રે સાગમટે 14 દુકાનો સીલ કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
વધુ મળતી માહિતી પ્રમાણે દાહોદ નગરપાલિકાની ટર્મ ગત મહિને પૂર્ણ થતાં પાલિકાની ચૂંટણી સુધી ચીફ ઓફિસરની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ દાહોદમાં સ્માર્ટ સીટી સહિતના અનેક વિકાસ કાર્યો હાલ પ્રગતિ પર છે. તેવા સમયે શહેરમાં વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યા તેમજ દુકાનદારો દ્વારા દુકાનોની બહાર સમાન મૂકી દબાણ કરતા ટ્રાફિકની સમસ્યા નિર્માણ થવા પામી છે. તેમજ પાલિકામાં છેલ્લા
કેટલાય સમયથી વ્યવસાય વેરો તેમજ નગરપાલિકા હસ્તકની દુકાનોના ભાડુ બાકી નીકળતા આજરોજ દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શનમાં પાલિકાના વોટર સપ્લાઈના અધિકારી આશિષ રાણા,બાંધકામ શાખાના નિલેશભાઈ શાહ,ફૂડ ઇન્સ્પેક્ટર પિંકલ નગરાળાવાળા તેમજ દબાણ ખાતાના કર્મચારીઓ સહિતની ટીમ આજરોજ સવારથી જ શહેરના ગાંધીચોક, એસવી પટેલ રોડ, ભગિની સમાજ, સ્ટેશન રોડ, ઠક્કર ફળીયા તેમજ દર્પણ ટોકીઝ રોડ સહિતના વિસ્તારોમાં ફરી દબાણ કર્તાઓ દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તેમજ આગામી સમયમાં દંડાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી.ત્યારબાદ શહેરના દર્પણ ટોકીઝ રોડ પર આવેલ સર્વે નંબર 85 માં બનાવેલ પાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાનદારો દ્વારા પાલિકાના ભાડા તેમજ ટેક્સની ભરપાઈ ન કરાતાં પાલિકાનું ભાડું બાકી નીકળતો હોવાનું પાલિકા સત્તાધીશોની ધ્યાને આવતા આજરોજ પાલિકાના અધિકારીઓની હાજરીમાં શોપિંગ સેન્ટરની 14 દુકાનો સીલ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામી છે.