મુસાફરો માટે સુવિધા:ગરબાડામાં નિમચથી જૂનાગઢ બસ સેવા શરૂ થઇ,
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયાર અને ભારતસિંહના અથાક પ્રયાસો સફળ.
રાહુલ ગારી:ગરબાડા
ગરબાડા તા.02
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારમાં આવેલા નિમચ ગામના લોકો માટે એક ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક લોકોની વર્ષો જૂની રજૂઆતો અને જરૂરિયાતને ધ્યાને રાખીને નિમચ ગામથી સીધી જૂનાગઢ સુધીની નવી એસ.ટી. બસ સેવા (GSRTC) શરૂ કરવામાં આવી છે. આ બસ સેવા શરૂ થતાં જ સમગ્ર પંથકમાં અને ગ્રામજનોમાં ભારે ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

નિમચ ગામ એ મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલું છેવાડાનું આંતરિયાળ ગામ છે. આ નવી બસ સેવા શરૂ થવાથી માત્ર ગુજરાતના સ્થાનિક લોકોને જ નહીં, પરંતુ સરહદ પાર આવેલા મધ્ય પ્રદેશના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ ગુજરાતના અન્ય શહેરો અને ધાર્મિક નગરી જૂનાગઢ સુધી આવવા-જવા માટે સીધો અને મોટો ફાયદો થશે.
આ અંતરિયાળ વિસ્તારમાં સરકારી એસ.ટી. બસની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સામાજિક કાર્ય સાથે સંકળાયેલા ભારતસિંહ નાનાભાઈ અમલીયાર તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયાર દ્વારા તંત્ર લેવલે અથાક અને સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા, જે આખરે રંગ લાવ્યા છે “છેવાડાના માનવી સુધી વિકાસ કાર્યો અને પરિવહનની સુવિધા પહોંચે તે સરકારની પ્રાથમિકતા રહી છે. આ બસ શરૂ થવાથી મુસાફરો, વિદ્યાર્થીઓ અને દર્શનાર્થીઓને ભારે અનુકૂળતા રહેશે.”
નિમચ મુકામે યોજાયેલા એક કાર્યક્રમમાં સામાજિક કાર્યકર ભારતભાઇ નાનાભાઈ અમલીયાર અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયાર દ્વારા રીબીન કાપી અને લીલી ઝંડી આપીને બસનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રથમ મુસાફરી કરનારા પ્રવાસીઓનું મીઠું મોઢું કરાવી સ્વાગત કરાયું હતું. અંતરિયાળ વિસ્તારમાં પણ એસ.ટી. બસ સેવાનો લાભ આપવા બદલ સમસ્ત ગ્રામજનોએ ગુજરાત સરકાર અને એસ.ટી. નિગમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
