નઢેલાવ ધૂળ મહુડી ખાતે આંગણવાડી કેન્દ્ર નંબર-૧૦નું ભવ્ય લોકાર્પણ
દાહોદ તા. ૨૦ 
બાળકોના પ્રારંભિક શિક્ષણ અને પોષણને વેગ આપવાના ઉમદા હેતુ સાથે નઢેલાવ ધૂળ મહુડી ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્ર નંબર-૧૦નું ગરિમાપૂર્ણ માહોલમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોની લાંબા સમયની માંગણી સંતોષાતા સમગ્ર વિસ્તારમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ નૂતન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગામના સરપંચ અને જિલ્લા પંચાયત સભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મહાનુભાવો શ્રીમતી સંગીતાબેન કનુભાઈ ભોભોર (સરપંચશ્રી) શ્રીમતી રવિનાબેન શૈલેષભાઈ ભાભોર (જિલ્લા પંચાયત સભ્યશ્રી) લોકાર્પણ વિધિ બાદ મહાનુભાવોએ રીબન કાપીને કેન્દ્રને બાળકો માટે ખુલ્લું મૂક્યું હતું અને આંગણવાડીની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સરપંચ અને જિલ્લા પંચાયત સભ્યશ્રીએ જણાવ્યું હતું કે, આ કેન્દ્રના માધ્યમથી ગામના બાળકોને ઉત્તમ સંસ્કાર, શિક્ષણ અને પૌષ્ટિક આહાર મળી રહેશે.
આ પ્રસંગે આંગણવાડીના સુપરવાઈઝર, વર્કર બહેનો તેમજ તેડાઘર બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગામના નાના-નાના ભૂલકાંઓ રહ્યા હતા, જેઓ નવી આંગણવાડી જોઈને ભારે ઉત્સાહિત જણાતા હતા. સ્થાનિક ગ્રામજનોએ પણ આ નવીન સુવિધા બદલ વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
