દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખપદે સુરેશ કટારા અને ઉપપ્રમુખપદે તેજલબેન ભાભોર બિનહરીફ ચૂંટાયા
દાહોદ તા. ૨૫
ઝાલોદ તાલુકા પંચાયતના મીટિંગ હોલ ખાતે ચુંટણી અધિકારી એ.કે. ભાટિયા તથા નાયબ ચુંટણી અધિકારી નાનજીભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકા પંચાયતના તમામ ૨૦ સભ્યો હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દાઓ માટે ભાજપ દ્વારા રજૂ કરાયેલા ઉમેદવારોના નામોને તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. પરિણામે પ્રમુખપદે સુરેશ કટારા તથા ઉપપ્રમુખપદે તેજલબેન ભાભોર બિનહરીફ ચૂંટાયા હતા.

તે ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે ખીમાબેન ચૌહાણ, પક્ષના નેતા તરીકે રાજેશ સંગાડા તથા દંડક તરીકે એલ્વીનાબેન ભૂરીયાની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
નવા હોદ્દેદારોની વરણી થતાં તાલુકા પંચાયત પરિસરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. સમર્થકો દ્વારા ફટાકડાની આતશબાજી, ઢોલ-નગારાં અને ડીજેના તાલે નાચી ઉજવણી કરવામાં આવી હતી. વિજેતા હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ભાજપ સમર્થકો દ્વારા ભવ્ય વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. વિજય રેલી દરમિયાન નવા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત આગેવાનો દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ નવા ચૂંટાયેલા પ્રમુખ સુરેશ કટારાએ માંડલેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ભોળાનાથના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા, ભાવસીંગભાઈ વાઘેલા, નરેન્દ્ર સોની, શીતલબેન વાઘેલા, ભરત શ્રીમાળી, પંકજ અગ્રવાલ, ભરત સોલંકી, ઝાલોદ તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ભાભોર સહિત ભાજપના આગેવાનો, નગરપાલિકા કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
