દાહોદના માળી સમાજના લોકો મધમાખીના ઝુંડનો થયા શિકાર.! દાહોદ નજીક અભલોડ ગામે મધમાખીના હુમલાથી અફરાતફરી :30 ઘાયલ,એકનું મોત

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદના માળી સમાજના લોકો મધમાખીના ઝુંડનો થયા શિકાર.!

દાહોદ નજીક અભલોડ ગામે મધમાખીના હુમલાથી અફરાતફરી :30 ઘાયલ,એકનું મોત

દાહોદ તા.15

દાહોદ નજીક આવેલા અભલોડ ગામે મહાદેવ મંદિર ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મધમાખીઓના અચાનક હુમલાથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનામાં કુલ 30 લોકો ઘાયલ થયા હતા,જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

 

મળતી માહિતી મુજબ અભલોડ ગામે મહાદેવ મંદિર ખાતે માળી સમાજ દ્વારા અભિષેકનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન અચાનક મધમાખીઓનો ઝુંડ ઉડી આવતા હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. મધમાખીના ડંખને કારણે 30 લોકો ઈજાગ્રસ્ત થયા હતા,જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

ઘટનામાં દાહોદના મંડાવરોડ પાસે રહેતા બાબુ ધોળાભાઈ માળીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.પરિવારજનોના કહેવા મુજબ કાર્યક્રમ દરમિયાન વાગતા ડીજેના અવાજને કારણે મધમાખીઓ ઉડી આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે કેટલાક લોકોના જણાવ્યા મુજબ મંદિર પાસે આવેલા મધપૂડા તરફ હવનનો ધુમાડો પહોંચતા મધમાખીઓ ઉશ્કેરાઈ ગઈ હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.કારણ જે હોય તે હોય, પરંતુ મધમાખીના હુમલાને કારણે સ્થળ પર ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ડંખનો ભોગ બનેલા મોટાભાગના 27 લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી છે,જ્યારે બે વ્યક્તિઓને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે

Share This Article