*બેંક ઓફ બરોડા સુખસર શાખામાં સામાન્ય કામ માટે દિવસો સુધી ધરમ ધક્કા ખાતા બેંક ગ્રાહકો પરેશાન* *લેવડ-દેવડ કરવા આવતા,બંધ પડેલ ખાતા ચાલુ કરાવવા કે અન્ય સામાન્ય કામકાજ માટે ગ્રાહકોને લાઇનમાં ઊભા રાખી દિવસો સુધી દોડાવવામાં આવી રહ્યા છે*

Editor Dahod Live
4 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*બેંક ઓફ બરોડા સુખસર શાખામાં સામાન્ય કામ માટે દિવસો સુધી ધરમ ધક્કા ખાતા બેંક ગ્રાહકો પરેશાન*

*લેવડ-દેવડ કરવા આવતા,બંધ પડેલ ખાતા ચાલુ કરાવવા કે અન્ય સામાન્ય કામકાજ માટે ગ્રાહકોને લાઇનમાં ઊભા રાખી દિવસો સુધી દોડાવવામાં આવી રહ્યા છે*

*બેંક ઓફ બરોડા સુખસર શાખા ના કર્મચારીઓની આપખુદ શાહીથી અન્ય બેંકોનો સહારો લેવા ગ્રાહકો મજબૂર*

સુખસર,તા.12

બેંક ઓફ બરોડા સુખસર શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓ આપખુદ શાહીથી ફરજ બજાવી રહ્યા હોય બેન્ક ગ્રાહકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.બેંક ગ્રાહકો લેવડ-દેવડ માટે કે અન્ય બેન્કની કામગીરી માટે દિવસો સુધી ધરમ ધક્કા ખાતા હોવા છતાં કામો નહીં થતા હોવાની ચર્ચા સાંભળવા મળે છે.અનેક લોકો રોજગારી મેળવવા મહેનત મજૂરી માટે પણ નહીં જઈ બેંકમાં સામાન્ય કામ માટે દિવસો સુધી ધક્કા ખાઈ રહ્યા હોવાનું નજરે જોતા જણાઈ આવે છે.તેમજ આ બેંકમાં ગ્રાહકોએ પ્રવેશ મેળવવા માટે પણ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા કેટલાક વૃદ્ધ લોકો ચક્કર ખાઈ પડી જવાના બનાવો પણ બની ચૂકેલા છે.તેમ છતાં ગ્રાહકો સાથે બેન્ક કર્મચારીઓએ મજબૂર લોકોની મુશ્કેલી સમજવાના બદલે ચાલતા રહેતા હૈ ની નીતિ અપનાવી બેન્ક ગ્રાહકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે.

        જાણવા મળેલી વિગતો મુજબ સુખસર તાલુકામાં એકમાત્ર બેંક બેંક ઓફ બરોડા સુખસર શાખા આવેલ છે.જ્યાં અનેક નોકરીયાત,ખેડૂતો, ધંધાદારીઓ અને શ્રમિક લોકોના હજારો ખાતા આવેલ છે.જેમાં લેવડ- દેવડ કરતાં લોકો તેમાં પણ ખાસ કરીને ખેડૂત વર્ગ અને શ્રમિક વર્ગના લોકોને બેંકના કર્મચારીઓ દ્વારા અતિશય પરેશાન કરવામાં આવતા હોવાનું નજરે જોતા જણાઈ આવે છે.તેમજ જે માલદાર,નોકરીયાત, વેપારી વર્ગ જેવા લોકો કોઈ દિવસ બેંકે બનાવેલા નિયમો પ્રમાણે લાઈનમાં ઊભા રહેવાના બદલે તરત જ તેમના કામો કરાવી નીકળી જતા હોય છે. બેંકના કેટલાક મળતીયા લોકો સાંજના ચાર વાગ્યા પછી પણ બેંકમાંથી લેવડદેવડ કરવા માટે છૂટ મળેલી હોય તેમ કરતા હોવાની પણ ચર્ચા સાંભળવા મળે છે.જ્યારે ગ્રામ્ય વિસ્તારના ગરીબ,અભણ,ખેડૂત, શ્રમિક લોકો દિવસો સુધી લેવડ-દેવડ કરવા માટે સવારના સાત વાગ્યાથી બેંક આગળ આવી લાઈનમાં ગોઠવાઈ જતા હોય છે.તેમ છતાં સાંજના ચાર વાગ્યા સુધી આવા લોકોના કામો જેવા કે લેવડ-દેવડ,બંધ પડેલ ખાતા ચાલુ કરાવવા અને તે પણ માત્ર ફોર્મ આપવા,જોઈન્ટ ખાતા અલગ કરાવવા કે અન્ય બેંકની સામાન્ય કામગીરી માટે દિવસો સુધી બેંકના ધક્કા ખાઈ રહ્યા હોવા છતાં તેમના કામો નહીં થતા હોવાનું બેંક ગ્રાહકો દ્વારા જાણવા મળે છે. 

         વધુમાં જાણવા મળતી માહિતી મુજબ જે લોકો બેંક દ્વારા લોન મેળવવા માંગતા હોય તેઓને લોન આપવા બેંકના કર્મચારીઓ વિવિધ બહાના બતાવી લોન નહીં આપતા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. જ્યારે મળતીયા લોકો આસાનીથી બેંકમાંથી વિવિધ ધંધાર્થે લોનો મેળવી ભરપાઈ નહીં કરતા હોવા છતાં તેઓની સામે બેંકના નિયમો પ્રમાણે કડકાઈ વાપરવાના બદલે સામાન્ય ખેડૂત અને શ્રમિક લોકો સામે પાવર બતાવી બેન્ક ગ્રાહકોને બેંકથી વિખુટા પાડવાની કોશિશ થતી હોય તેવું વર્તન બેંક ગ્રાહકો સાથે બેંકના કર્મચારીઓ કરતા હોવાનું જાણવા મળે છે.તેમજ આ બેંકમાં કેટલાક લોકો અવાજ ઉઠાવે છે ત્યારે તેવા લોકોને પોલીસ બોલાવવાની ધમકીઓ પણ આપવામાં આવતી હોય છે.તેમજ આ બેંકના સિક્યુરિટી ગાર્ડ દ્વારા બેંક ગ્રાહકોને હડધુત કરી મારામારી સુધી પહોંચી જવાની કોશિશો પણ અનેકવાર થઈ ચૂકેલી હોવાનું બેન્ક ગ્રાહકો દ્વારા જાણવા મળે છે.

        નોંધનીય બાબત છે કે,બેંક ઓફ બરોડા સુખસર શાખામાં સ્ટાફ અન્ય રાજ્યોના હોય ગ્રામ્ય વિસ્તારના લોકોની ભાષા આ કર્મચારીઓ સમજી શકતા નથી. અને કર્મચારીઓની ભાષા ગ્રામ્ય વિસ્તારના લોકોને સમજમાં આવતી ન હોય બેંક ગ્રાહકો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.ત્યારે બેંક ઓફ બરોડા સુખસર શાખામાં ગુજરાતી માણસોને સ્ટાફમાં મૂકે તેવી પણ માંગ ઉઠવા પામેલ છે.તેમજ ઉચ્ચ અધિકારીઓ બેંક ઓફ બરોડા ઉપર તાત્કાલિક ધ્યાન આપે તથા બેન્ક ગ્રાહકોને દિવસો સુધી જે ધક્કા ખવડાવવામાં આવે છે તે બંધ કરવામાં આવે તેમજ બેંકના નિયમો અનુસાર બેંક ગ્રાહકોને ન્યાય આપે તેવી બેક ગ્રાહકોની માંગ ઉઠવા પામેલ છે.

Share This Article