*મહીસાગર જિલ્લાના પ્રતાપગઢમાં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત તેરમી સરકારી શાળાનું ભવ્ય છાત્રાર્પણ*
દાહોદ તા. ૬
આજરોજ તા.૬/૨/૨૦૨૬ શુક્રવાર સવારે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રતાપગઢ (ખેડાપા) ગામમાં કુલ સિત્તેર લાખ રુપિયાના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક શાળાના નવા મકાનનો છાત્રાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર , લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી તરફથી પાંત્રીસ લાખ અને સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડીંડોર તરફથી પાંત્રીસ લાખ રૂપિયા મળીને આ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જગદીશ ત્રિવેદી દ્રારા નિર્માણ થયેલી આ તેરમી સરકારી શાળા છે જેની સ્થાપના આઝાદી પહેલાં ૨૩/૮/૧૮૮૭ના રોજ એ સમયનાં રાજવી પ્રતાપસિંહજી ભવાનસિંહજી પરમાર દ્વારા કરવામાં આવી હતી અને આ ગામનું નામ પણ પ્રતાપગઢ એમના નામ પરથી જ એમના પિતાશ્રીએ આપ્યું હતું.
જેનું ૧૩૯ વરસ બાદ એક કલાકાર અને એક ધારાસભ્યના હસ્તે નવનિર્માણ થયું હતું.
આ શાળામાં હાલ કુલ ૨૯૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં ૨૬૪ સાવ જરુરીયાતમંદ તેમજ આદીવાસી સમાજના બાળકો છે.
આ શાળાનુ્ં ઉદઘાટન પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીએ કર્યું હતું અને અતિથિવિશેષ તરીકે ધારાસભ્યશ્રી ડો. કુબેર ડીંડોર , મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથભાઈ બારીયા, અમેરીકાના સિનસિનાટી શહેરથી આવેલા સમાજસેવક શ્રી કલ્પેશભાઈ પટેલ, જાણીતા સાહિત્યકાર ડો. કનૈયાલાલ ભટ્ટ “ચિંતક” , શિક્ષણવિદ શ્રી જશવંત મહેતા, જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને સમાજસેવક શ્રી પિનાકીન શુક્લ, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુ. શ્રી કૃપાબહેન જ્હા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરેશ વાલવાઈ તેમજ મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ , શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
