રાહુલ ગારી :- ગરબાડા
આજે વિશ્વ કેન્સર દિવસ નિમિતે ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્સર અંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
દાહોદ તા. ૪
આજે વિશ્વ કેન્સર દિવસ નિમિતે દાહોદ જિલ્લાના ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર ટીલાવતના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ. આર.કે. મેહતાએ કેન્સર રોગ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તંબાકુ, વિમલ ગુટકા, માવા, દારૂનું સેવન તેમજ ખેતીમાં વપરાતી કીટનાશક અને જીવાતનાશક દવાઓ કેન્સરના મુખ્ય કારણોમાં સામેલ છે.
ડૉ. મેહતાએ કેન્સરના શરૂઆતના લક્ષણો, સમયસર સારવારનું મહત્વ અને કેન્સરથી બચવા માટે રાખવાની કાળજી અંગે પણ લોકોને જાગૃત કર્યા હતા. તેમણે ખાસ કરીને યુવાનોને નશીલા પદાર્થોથી દૂર રહેવાની અપીલ કરી હતી.
વિશ્વ કેન્સર દિવસના અવસરે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા લોકોને કેન્સર સામે જાગૃત કરવાની મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી.
