રાજેશ વસાવે દાહોદ
દાહોદના ડીવાયએસપી સાજીદ રાઠોડ સેવા નિવૃત,ભવ્ય સમારોહમાં ભાવભીની વિદાય.!
30 વર્ષના નોંધપાત્ર કાર્યકાળ બાદ દાહોદ ડીવાયએસપી હેડક્વાર્ટર તરીકે ફરજ બજાવનાર સાજીદ રાઠોડ નિવૃત,પોલીસ અધિકારીઓ અને પરિવારજનોની ઉપસ્થિતિ..
તેમના સુપરવિઝનમાં વીવીઆઈપી મુવમેન્ટ, ગોધરાના પોલન બજારમાં કરેલી કામગીરી,
દાહોદ તા.01

દાહોદ જિલ્લામાં વર્ષ 2022થી ડીવાયએસપી હેડક્વાર્ટર તરીકે ફરજ બજાવી રહેલા શ્રી સાજીદ રાઠોડ ગઈકાલે પોતાની લાંબી અને નોંધપાત્ર સેવા પૂર્ણ કરી સેવા નિવૃત થયા હતા.તેમના સન્માનમાં દાહોદ ખાતે ભવ્ય સેવા નિવૃત્તિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ વિભાગમાંથી નિવૃત થવાની વેળાએ તેમના કરેલા કામો અને દાહોદ પોલીસ સાથે રહેલા સંસ્મરણો વાગોળતા ક્ષણિક ભાવુક થઈ ગયા હતા. પોલીસ વિભાગમાં કરેલી તેમની ફરજ અને કાર્યશૈલીને ઉચ્ચ અધિકારીઓથી લઈ કર્મચારીઓએ બિરદાવી હતી.


આ સમારોહમાં ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ ભંડારી, એસ.ટી/એસ.સી સેલના ડીવાયએસપી શ્રી અશોક કલાસવા, જાલોર ડિવિઝનના ડીવાયએસપી શ્રી ધીરજ પટેલ, નિવૃત ડીવાયએસપી શ્રી એસ.ડી. રાઠોડ સહિત દાહોદ જિલ્લાના વિવિધ પોલીસ મથકો તથા વિભાગોમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, અધિકારીઓ, કર્મચારીઓ, પત્રકારો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
એસ.ડી. રાઠોડ વર્ષ 1995માં પીએસઆઈની સીધી ભરતી દ્વારા પોલીસ વિભાગમાં જોડાયા હતા. ત્યારબાદ તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસપી તરીકે પ્રમોશન મેળવી અમરેલી, સુરત, વડોદરા, અમદાવાદ, મોરબી, ગોધરા, નડિયાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં અલગ-અલગ વિભાગોમાં ઉત્તમ સેવાઓ આપી હતી. છેલ્લા સાડા ત્રણ વર્ષથી તેઓ દાહોદમાં ડીવાયએસપી હેડક્વાર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

દાહોદમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમના સુપરવિઝનમાં ઇ-ગુજકોપ સિસ્ટમમાં છેલ્લા બે વર્ષથી દાહોદ પોલીસ રાજ્યમાં પ્રથમથી પાંચમા ક્રમે સ્થાન પામતી રહી છે.આ સાથે જ લઘુમતી સમાજમાંથી આવતા એસ.ડી. રાઠોડની પ્રશંસા ગણપતિ વિસર્જન દરમિયાન પણ વિશેષ રૂપે જોવા મળી હતી. ગોધરાના સંવેદનશીલ પોલન બજાર વિસ્તારમાં તેમણે વર્ષો સુધી ફરજ બજાવી,શાંતિપૂર્ણ અને સફળ ગણપતિ વિસર્જનનું શ્રેય મેળવ્યું હતું,જેના કારણે પોલીસ ખાતામાં તેમની વિશેષ નોંધ લેવાઈ હતી.

દાહોદના કાર્યકાળ દરમિયાન હેડક્વાર્ટરના વહીવટી પ્રશ્નો હોય કે પોલીસ કર્મચારીઓની સમસ્યાઓ, તેમણે દરેક બાબતને સરળ અને અસરકારક રીતે નિભાવી હતી. તેમના સમયમાં દાહોદ પોલીસ વિભાગમાં આધુનિક સુવિધાઓ સાથે કાયાપલટ થયો હતો. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમને વડીલ સમાન માન આપતા હતા.

તેમનો શાંત, સરળ અને સૌમ્ય સ્વભાવ ઉચ્ચ અધિકારીઓને પણ પ્રભાવિત કરતો રહ્યો. તેમની કાર્યક્ષમતા અને કુશળતા અનેક યુવા અધિકારીઓ માટે માર્ગદર્શક બની. તેઓ પ્રજા અને પોલીસ વચ્ચે સેતુરૂપ ભૂમિકા નિભાવતા રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં પોલીસ તથા ટીઆરબીની ભરતી પ્રક્રિયા પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

લગભગ 30 વર્ષના લાંબા સેવા કાર્યકાળ દરમિયાન તેમણે પરિવારથી દૂર રહી પોલીસ બેડામાં ફરજ બજાવી અને જનસુરક્ષા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. છેલ્લા દસ વર્ષમાં મોટા ભાગના વીઆઈપી મૂવમેન્ટ તેમના સુપરવિઝનમાં સફળતાપૂર્વક સંપન્ન થયા હતા, જેના કારણે પોલીસ વિભાગમાં તેઓ વિશેષ આદરના પાત્ર બન્યા હતા.
દાહોદ પોલીસ પરિવાર દ્વારા શ્રી સાજીદ રાઠોડને ભાવભીની વિદાય આપી તેમના ઉજ્જવળ અને સુખદ નિવૃત જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
