રાજેશ વસાવે :- દાહોદ
સ્માર્ટ સિટીમાં એનિમલ શેલ્ટર હોમનો અભાવ,બે દિવસ અગાઉ સુખસરમાં 23 લોકો ભોગ બન્યા.!
દાહોદમાં રખડતા કૂતરાઓનો આતંક,10 થી 12 લોકોને બચકા ભર્યા..
રખડતા ઢોરો અંગે તંત્ર પાસે કોઈ અસરકારક નીતિ અમલમાં નથી, ખસીકરણની કામગીરી પણ શૂન્ય.!
દાહોદ તા.28

દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં આવેલી જુદી જુદી સોસાયટીમાં રખડતા કૂતરાઓએ 10 થી 12 જેટલા લોકોને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં મહિલાઓ બાળકો અને વૃદ્ધો કુતરાઓનો શિકાર થયા છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા દાહોદ શહેરમાં એક તરફ વિકાસની વાતો થાય છે, ત્યારે બીજી તરફ શહેરમાં રખડતા ઢોરો અને કુતરાઓનો ત્રાસ યથાવત રહ્યો છે. શહેરમાં રખડતા આખલાઓ વચ્ચે થતા દ્વંદ્વ યુદ્ધના કારણે લોકોના જીવ અને જાનમાલને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે, જેના કારણે શહેરીજનોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે.દાહોદ શહેરમાં માત્ર આખલાઓ જ નહીં પરંતુ રખડતા ગધેડા અને કુતરાઓનો પણ ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં આવેલી મહાવીર નગર સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં રખડતા કુતરાઓએ 10થી 12 જેટલા લોકોને બચકા ભરતા ઇજાગ્રસ્ત કર્યા હોવાની ઘટના સામે આવી છે.આ ઘટનામાં મહિલા, પુરુષો તેમજ બાળકોનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને હાલ દાહોદ ઝાયડસ તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. જોકે રખડતા કુતરાઓ અને ઢોરોના આતંકને કારણે શહેરીજનોમાં ભારે રોષ અને ભયની લાગણી ફેલાઈ છે.
*રખડતા ઢોરો અંગે તંત્ર પાસે કોઈ અસરકારક નીતિ નથી, એનિમલ શેલ્ટર હોમનો અભાવ.*
આશ્ચર્યજનક બાબત એ છે કે સ્માર્ટ સિટી દાહોદમાં રખડતા ઢોરો અંગે સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ કંપની કે નગરપાલિકા દ્વારા આજદિન સુધી કોઈ સ્પષ્ટ અને અસરકારક નીતિ ઘડવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટી અંતર્ગત મંજુર થયેલો એનિમલ શેલ્ટર હોમ કોઈ અજ્ઞાત કારણોસર રદ કરવામાં આવ્યો હતો.જ્યારે દર વર્ષે પશુપાલન ખાતા દ્વારા કુતરાઓના ખસીકરણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે,તેમ છતાં નગરપાલિકા દ્વારા આ દિશામાં કોઈ ગંભીર કાર્યવાહી થતી નથી.
*સુખસરમાં બે દિવસ અગાઉ 23 લોકોને કૂતરાઓ કરડ્યા હતા.*
આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે થોડા દિવસ અગાઉ શહેરમાંથી રખડતા કુતરાઓને પકડી જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કારણોસર આ કુતરાઓને ફરીથી શહેરમાં પરત લાવવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરિણામે હવે આ રખડતા કુતરાઓ શહેરીજનો માટે આફત બની ગયા છે અને શહેરની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.નોધનીય બાબત એ છે કે બે દિવસ અગાઉ સુખસરના બલૈયા વિસ્તારમાં પણ રખડતા કુતરાઓએ 23 લોકોને બચકા ભર્યા હોવાની ગંભીર ઘટના બની હતી. હવે પ્રશ્ન એ છે કે આ મુદ્દે સંબંધિત વહીવટી તંત્ર ક્યારે જાગૃત થશે અને શહેરીજનોને આ સમસ્યાથી ક્યારે મુક્તિ મળશે? સાચા અર્થમાં સ્માર્ટ સિટીમાં વસવાટ કરવાનો અનુભવ લોકો ક્યારે કરશે, તે જોવું રહ્યું.
