ઝાલોદ અને નવરચિત ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ..
દાહોદ તા. ૧૬
ઝાલોદ 130 વિધાનસભા વિસ્તારમાં આવતાં ઝાલોદ તથા ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શાંતિપૂર્ણ, સુચારુ અને ગૌરવભર્યા માહોલમાં યોજાય તે માટે ઝાલોદ પ્રાંત અધિકારી એ. કે. ભાટિયાના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, તાલુકા કક્ષાના પદાધિકારીઓ તેમજ આયોજન સાથે સંકળાયેલા જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં પ્રજાસત્તાક પર્વના આયોજનને લઈને દરેક વિભાગની જવાબદારીઓ, કામગીરી અને પરસ્પર સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ ઝાલોદ તાલુકાનો તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મહુડી મુકામે યોજાશે, જ્યારે નવરચિત ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાં જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ કારઠ મુકામે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારના 9 વાગે યોજાશે.
પ્રજાસત્તાક પર્વના આયોજનમાં ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, શાળા-મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓની ભાગીદારી, મહેમાનોની આવકાર વ્યવસ્થા, મંચ અને સાઉન્ડ સિસ્ટમ, બેઠક વ્યવસ્થા, સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને સ્વચ્છતા સહિત તમામ મુદ્દાઓ પર વિગતવાર આયોજન તૈયાર કરવામાં આવ્યું છે.
પ્રાંત અધિકારી એ. કે. ભાટિયાએ તમામ વિભાગોને સમયસર તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપી હતી અને કોઈપણ પ્રકારની ખામી ન રહે તે માટે મજબૂત સંકલન રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વ રાષ્ટ્રીય ગૌરવનો પર્વ છે અને જનભાગીદારી સાથે તેની ભવ્ય ઉજવણી થાય તે માટે તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર રહેવું જરૂરી છે.
બેઠકના અંતે નાગરિકોને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાવા અપીલ કરવામાં આવી હતી.
