રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા ગરબાડા પોલીસનું દુકાનોમાં સઘન ચેકીંગ.
જો તમે ચાઈનીઝ દોરી વેચતા કે ઉપયોગ કરતા પકડાશો તો તમારે જેલના સળિયા ગણવાનો વારો આવશે.
ગરબાડા તા. ૧૧
ગરબાડા તાલુકામાં આગામી ઉત્તરાયણ પર્વની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તંત્ર દ્વારા ચાઇનીઝ દોરી, તુક્કલ પર પ્રતિબંધ જાહેર કરાયો છે. આથી પોલીસ ટીમ દ્વારા ગરબાડા નગરમાં પતંગ દોરાના 15 થી વધારે વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું. પરંતુ કોઈ પ્રતિબંધિત વસ્તુ પોલીસ ટીમના હાથમાં આવી ન હતી. ગરબાડા તાલુકામાં ઉત્તરાયણ પર્વને લઇ કરૂણા અભિયાન અંતર્ગત પ્રાણઘાતક ચાઇનીઝ દોરી જે પ્લાસ્ટિકથી બને છે તેનાથી પક્ષીઓ તથા લોકો ઘાયલ થવાની અને વીજ વાયર પર પડે તો ઇલેક્ટ્રિક શોક લાગવાનો ભય રહે છે. જ્યારે ચાઇનીઝ તુક્કલ જે પ્રગટાવ્યા બાદ હવામાં ઊંચે ગયા પછી ગમે ત્યાં પડતા હોવાથી આગ લાગવાની શક્યતા રહે છે. આથી પ્રતિબંધિત જાહેર કરાયા છે. જ્યારે તેનું વેચાણ કરનાર સામે કાયદેસર કાર્યવાહીની સૂચના આપી હોવાથી તપાસ હાથ ધરી હતી. જેમાં ગરબાડા પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી વેચતાં વેપારીઓની દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગરબાડા પી.આઇ કે.આઇ રાવતના માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસની ટીમ દ્વારા ગરબાડામાં આઝાદ ચોક, શિવનગર, કુંભારવાડા ,બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું હતું. પોલીસ દ્વારા પતંગ રસીકોને અપીલ કરાઇ કે, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો, રાત્રે દીવા સાથેના તુક્કલ ન ઊડાડવા ના પણ સૂચનો કરવામાં આપવામાં આવ્યા હતા.