બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગ્રામ પંચાયત તલાટી કમ- મંત્રી દ્વારા ગ્રામજનો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાતા ટી.ડી.ઓ ને રજૂઆત*
*મકવાણાના વરુણા ગ્રામ પંચાયતનું અઠવાડિયામાં એક જ દિવસ કામ કરવાની હટ લઈને બેઠેલા મહિલા તલાટી કમ-મંત્રી?*
સુખસર,તા.30
ફતેપુરા તાલુકામાં છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતથી કેટલીક ગ્રામ પંચાયતોમાં સરપંચોની ટર્મ પૂરી થતાં વહીવટદારો ની નિમણૂંક કરવામાં આવેલ છે.જ્યારે ગ્રામ પંચાયતની મોટાભાગની કામગીરી તલાટી કમ-મંત્રીઓ દ્વારા ચલાવાઇ રહી છે.જેમાં અમુક ગ્રામ પંચાયતોમાં તલાટી કમ-મંત્રી પોતાને બની બેઠેલા સર્વેસર્વા માની વહીવટ કરતા હોય ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે.તેવી જ રીતે મકવાણાના વરુણા ખાતે ગ્રામ પંચાયતમાં મહિલા તલાટી કમ-મંત્રી દ્વારા ગ્રામજનોના ગ્રામ પંચાયતના જે-તે કામ માટે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી હડધુત કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠતા ગ્રામજનો દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ તલાટી કમ-મંત્રીની બદલી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કૈલાશબેન પાંડોર મહિલા તલાટી કમ- મંત્રીને મકવાણાના વરુણા,રાવળના વરુણા તથા ધાણીખુટ ગ્રામ પંચાયત ફાળવવામાં આવેલ છે.જેમાં મકવાણાના વરુણા ગ્રામ પંચાયતને અઠવાડિયામાં એક દિવસ બુધવાર ફાળવવામાં આવેલ છે.જ્યારે મોટાભાગે તલાટી કમ-મંત્રી રાવળના વરુણા ગ્રામ પંચાયતમાં આવે છે.અને ઘાણીખુટ,મકવાણાના વરુણના કોઈ વ્યક્તિને તલાટી કમ-મંત્રીના સહી સિક્કાની જરૂરત પડતા રાવળના વરુણા ગ્રામ પંચાયતમાં જાય છે.ત્યારે તલાટી કમ-મંત્રી દ્વારા જણાવાય છે કે, તમારી ગ્રામ પંચાયતમાં મને બુધવાર ફાળવવામાં આવેલો છે.અને તે જ દિવસે તમારી ગ્રામ પંચાયતનું જે-તે કામ હોય તે કરીશ તે સિવાય હું કોઈ કામ કરી આપીશ નહીં.અને તમારે મારા વિરુદ્ધ જ્યાં જઈ રજૂઆત કરવી હોય ત્યાં જઈને કરી દો,મને કોઈનો ડર નથી.અને જણાવે છે કે તમારા મકવાણા વરુણામા ગ્રામ પંચાયત ભવન નથી અને તમો ગ્રામ પંચાયતનું મકાન બનાવી આપો તો હું દરરોજ તમારા ગામની કામગીરી કરી આપીશ.તેમ જણાવી તલાટી કમ-મંત્રી દ્વારા ગ્રામજનો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી હડધુત કરવામાં આવતા હોવાનો રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
વધુમાં જણાવવામાં આવ્યું છે કે,તલાટી કમ-મંત્રી કોઈ વ્યક્તિ જાતિ, આવકના દાખલા મેળવવા જાય છે ત્યારે તેઓ પાસે ઘરવેરો પહેલા ભરાવે છે.તેમજ એક-એક મકાનની ત્રણ-ત્રણ પહોંચો આપી નાણા લેતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.અને જણાવ્યું છે કે,તલાટી કમ-મંત્રી દ્વારા મનસ્વી વહીવટ ચલાવતો હોય જે-તે ગ્રામજનોના સમય મર્યાદામાં કામો થતા ન હોય લોકો પરેશાન થઈ રહ્યા છે.ત્યારે તેઓની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા રજૂઆતમાં માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.