રાજેશ વસાવે :- દાહોદ
માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કાગળ પૂરતી સીમિત,ગ્રામીણ વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો અભાવ.
દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જીવના જોખમે ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ અભ્યાસ અર્થે જતા બાળકો..
દાહોદ તા. 06
દાહોદ જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટેશનની પૂરતી સુવિધા ન હોવાના કારણે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ પોતાનું જીવ જોખમમાં મૂકીને ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ જોખમી રીતે બહાર લટકી અભ્યાસ મેળવવા માટે અવરજવર કરી રહ્યા છે. ઝાલોદ પંથકના લીમડી વિસ્તારમાં ખાનગી વાહનોમાં બહાર જોખમી રીતે લટકીને વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવવા માટે શાળાઓ જતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખની છે કે દર વર્ષે આરટીઓ તેમજ પોલીસ દ્વારા સંયુક્ત પણે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ ઉજવણી એક સપ્તાહ પૂરતી જ હોય છે. કારણ કે બાકી દિવસોમાં તો દરરોજ આવી રીતે પોલીસ અને આરટીઓની રહેમ નજર હેઠળ ખાનગી વાહનોમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પોતાનું જીવ જોખમમાં મૂકીને ઘેટાંબકરાની જેમ ભરી,બહાર લટકીને શાળાએ અભ્યાસ અર્થે જતા હોવાનું સામે આવી રહ્યું છે. એસટી વિભાગ દ્વારા ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં શાળાના અવરજવરના સમયે લોકલ બસો ઉપલબ્ધ કરાવે તો ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સલામત રીતે અભ્યાસ મેળવવા શાળાએ જઈ શકે તેમ છે.