બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના મોટાનટવા ની ૨૩ વર્ષીય દિવ્યાંગ યુવતી સરકારના વિવિધ લાભોથી વંચિત રહેતા તંત્ર દ્વારા ધ્યાન આપવા માંગ
ગરીબ પરિવારની યુવતી દ્વારા તાલુકા તંત્રના અનેક વારના ધક્કા છતાં આધાર કાર્ડ નહીં નીકળી શકતાં બેંક ખાતુ પણ ખોલાવી શકી નથી!
વિકલાંગ વ્યક્તિને સરકાર દ્વારા મળવા પાત્ર સહાય કે લાભ વિના બાકાત રહેતા અંધ યુવતી પરાવલંબી જીવન વ્યતીત કરી રહી છે
સુખસર,તા.૧૫
રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને માસિક સહાય તથા વિવિધ લાભો દ્વારા પ્રોત્સાહન પૂરું પાડે છે.વિકલાંગ વ્યક્તિ પરાવલંબી જીવન વ્યતીત નહીં કરતા સરકારની સહાય સહિત વિવિધ લાભો મેળવી સ્વાવલંબી બને તે હેતુથી કરોડો રૂપિયા ખર્ચ કરે છે.પરંતુ કેટલાક દિવ્યાંગ વ્યક્તિઓ સરકારના લાભોથી અજાણ હોય અથવા તો વહીવટી તંત્રો દ્વારા મળવા જોઈતા પ્રાથમિક જરૂરિયાતના ડોક્યુમેન્ટ નહીં મળી રહેતા સરકારના લાભોથી વંચિત રહે છે.તેવી જ રીતે ફતેપુરા તાલુકાના મોટા ગામની ૨૩ વર્ષીય પ્રજ્ઞાચક્ષુ યુવતી દર દરની ઠોકરો ખાવા છતાં આધારકાર્ડ મળી નહીં રહેતા સરકારના લાભોથી વંચિત હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના કેસર ફળિયા ખાતે રહેતા કીડીયાભાઈ કમલાભાઈ ચરપોટની પુત્રી કિંજલબેન (ઉ.વ.૨૩) ધોરણ આઠ સુધી ભણેલી છે.અને જન્મના ૧૩ વર્ષ જતાં કિંજલબેનની કોઈક કારણોસર આપોઆપ બંને આંખોની રોશની જતી રહી હતી.ત્યારબાદ કિંજલબેનના પરિવારે પુત્રીની આંખોની રોશની ફરી આવે તે હેતુથી ગરીબ પિતાએ અનેક ખાનગી,સરકારી દવાખાનાઓમાં તપાસ સારવાર કરાવ્યા બાદ પણ કિંજલબેન ની આંખોની રોશની પરત આવી નહીં. અને આંખના તબીબો એ પણ હવે કિંજલબેનને આંખોની રોશની પરત આવે તેવી કોઈ સંભાવના જણાતી નહીં હોવાનું જણાવતાં હવે પુત્રીની સેવા ચાકરી સિવાય કોઈ રસ્તો નહીં હોવાનું મુનાસીબ માની પુત્રીને ઘરે લઈ આવ્યા.અને છેલ્લા ૨૦ વર્ષથી કિંજલબેન સંપૂર્ણપણે અંધ હોઈ બેઠાડું જીવન વ્યતિત કરી રહ્યા છે.
જ્યારે બીજી બાજુ જોઈએ તો રાજ્ય તથા કેન્દ્ર સરકાર પણ વિકલાંગ વ્યક્તિઓને માસિક સહાય સહિત વિવિધ લાવો આપે છે.ત્યારે કિંજલબેન ને સરકારી લાભો મળે તે હેતુથી વિવિધ ડોક્યુમેન્ટ મેળવી મળતા લાભો મળી રહે તેના માટે પ્રયત્નો ચાલુ કર્યા.જેમાં પ્રથમ જરૂરિયાત હોય તો આધાર કાર્ડ ની જરૂર પડતી હોય છે.અને આધાર કાર્ડ મેળવવા માટે કિંજલબેનના પિતાએ તાલુકા કક્ષાએ સંપર્ક કર્યો અને અનેક વારના ધક્કા ખાધા બાદ તાલુકાના જવાબદારોએ જણાવેલ કે, આંખનું સ્કેનિંગ મળતું નથી જેથી આધાર કાર્ડ આપી શકાય નહીં. ત્યારબાદ પણ કિંજલબેનના પરિવારે આધાર કાર્ડ મેળવવા અનેક જગ્યાઓના ધક્કા ખાધા છતાં આધાર કાર્ડ મળી શક્યું નહીં.
દિવ્યાંગ વ્યક્તિએ દિવ્યાંગ ઓળખકાર્ડ મેળવવા ઉમર દાખલો,તેમજ દિવ્યાંગ વ્યક્તિનું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ હોય તેનો દાખલો(સ્કોર ૦ થી ૨૦) તેમજ આધાર કાર્ડની નકલ અને બેંક ખાતાની માહિતી પૂરી પાડવાની હોય છે.પરંતુ આધાર કાર્ડ વિના કિંજલબેન આજ દિન સુધી કોઈ ડોક્યુમેન્ટ મેળવી શક્યા નથી કે બેંક ખાતુ ખોલાવી શક્યા નથી.તેમ જ દિવ્યાંગ વ્યક્તિને સરકાર દ્વારા મળવા પાત્ર કોઈ જ લાભ આજ દિન સુધી કિંજલબેન સુધી પહોંચી શકયા નથી.જોકે આંખોનું સ્કેનિંગ નહીં મળી શકવાના કારણે આધાર કાર્ડ નીકળી શકે તેમ ન હોય ત્યારે તંત્ર અને સરકાર દ્વારા અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી દિવ્યાંગ વ્યક્તિઓ પૈકી કિંજલબેનને સરકાર દ્વારા મળતા દિવ્યાંગના લાભો મળી રહે તે બાબતે ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.