દેવગઢબારિયા તાલુકાના અસાયડી ગામે હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાલકનું મોત
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે અન્નપૂર્ણા હોટલ પાસે પુરપાટ દોડી આવતી આયસર ગાડી ચાલકની ગફલતના કારણે આગળ ચાલતી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાતાં આઈસર ગાડીના ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેનું સારવાર દરંમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
ઉત્તરપ્રદેશના સુલતાનરપુર જિલ્લાના તરોદીયા દેહાલ ચુન્હા ગામના ૪૦ વર્ષીય અસફાક અલીરમજાન અલી પરમ દિવસ તા. ૧૨-૮-૨૦૨૩ના રોજ બપોરના દોઢ વાગ્યાના સુમારે તેના કબજાની યુપી ૬૫ જીટી-૮૦૨૫ નંબરની આઈસર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી અસાયડી ગામે અન્નપૂર્ણા હોટલ પાસે આગળ ચાલતી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાવતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આયસર ગાડીના ચાલક અશફાકઅલી રમજાલ અલીને હાથે, પગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે દે.બારીયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
આ સંબંધે પીપલોદ પોલિસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.