
આદિવાસી ટ્રાયબલ વિસ્તાર તરીકે ગણાતા અને સિડ્યુલ ૫ માં સમાવિષ્ટ દાહોદ જિલ્લામાં સાહુકારી પ્રથા પર પ્રતિબંધ છતાંય વ્યાજખોરો ફુલ્યા ફાલ્યા
દાહોદ જિલ્લામાં વ્યાજનો ધંધો કરતાં ઈસમો પર તવાઈ:ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવશે
દાગીના ગીરવે મુકી આદિવાસીઓનું શોષણ કરતાં વ્યાજખોરો ઃ ભુતકાળમાં ઘણા પરિવારના સદસ્યોએ તો માથાભારે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા પણ કરી લીધી હતી
ઉંચા વ્યાજે પૈસા આપી દાગીના તેમજ જમીનો પચાવી પાડી આદિવાસીઓને પાયમાલ કરતું વ્યાજખોરોનું વિષ ચક્ર
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં તેમજ ધિરાણ કરતાં માથાભારે ઈસમોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો ચલાવતાં વ્યાજખોરો વિરૂધ્ધ દાહોદ જિલ્લાના તમામ પોલીસ મથકોએ વ્યાજખોરો વિરૂધ્ધ અસંખ્ય ફરિયાદો પણ નોંધાયેલ છે ત્યારે આવા ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતાં વ્યાજખોરો પર લગામ કસવા માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઈતિહાસમાં સૌ પ્રથમવાર મુહિમ હાથ ધરી છે જેમાં રજીસ્ટ્રેશન, નોંધણી કરાવ્યાં વિનાના વ્યક્તિઓ વ્યાજનો ધંધો કરી શકશે નહીં તેમજ સરકારે નિયત કરેલા વ્યાજદરથી વધુ વ્યાજ વસુલી શકશે નહીં, આવું કૃત્ય કરનાર વિરૂધ્ધ પોલીસ તંત્ર હવે કડકાઈથી પગલા લેશે તેમજ કાયદેસરની કાર્યવાહી કરશે ત્યારે ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતાં લોકો વિશે જાણકારી આપવા પણ જાહેર જનતાને પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજનો ધંધો કરતાં માથાભારે ઈસમો, ગુંડાઓનું રાજ દાહોદ જિલ્લામાં પગપેસારો કરી ચુંક્યું છે. ભુતકાળમાં આવા માથાભારે અને ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતાં વ્યાજખોરોના ચંગુલમાં ગરીબ, મધ્યમ વર્ગીયથી લઈ અમીર લોકો પણ આવી ચુક્યાં છે જેમાં ગરીબ અતિ ગરીબ બની ગયો અને મધ્યમ વર્ગીય તેમજ અમીર લોકો ગરીબીમાં ધકેલાઈ ગયાં છે. ગેરકાયેદસર રીતે વ્યાજનો ધંધો કરતાં માથાભારે ઈસમો અને ગુંડાઓ દ્વારા લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવી તેઓ પાસેથી કોરો ચેકો લઈ તેની ઉપર તેમની સહીઓ કરાવી અવાર નવાર ધાકધમકી આપતાં રહે છે તેમજ વ્યાજના નાણાં પુરેપુરા ચુંકવી દીધા બાદ પણ માથાભારે અને ગેરકાયદસર વ્યાજનો ધંધો કરતાં આવા ઈસમો દ્વારા લોકોના ચેકોનો ખોટો ઉપયોગ કરી વધું નાણાંની લાલચમાં પઠાણી ઉઘરાણી ચાલુજ રાખતાં આવ્યાં છે. ભુતકાળમાં આવા વ્યાજખોરોના ત્રાસથી ઘણા લોકોના ઘરો, પરિવારો બરબાદીની કગાર પણ આવી ચુક્યાં છે. ઘણા પરિવારજનોએ તો સામુહિક આત્મહત્યાનું પગલું પણ ઉઠાવ્યું છે અને ઘણા પરિવારના સદસ્યોએ તો માથાભારે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા પણ કરી લીધી હતી. આવા તમામ માથાભારે અને ગેરકાયદેસર વ્યાજખોરો વિરૂધ્ધ દાહોદ જિલ્લાના તમામ પોલીસ મથકોએ અસંખ્ય ફરિયાદો પણ નોંધાઈ ચુંકી છે પરંતુ કોઈને કોઈ કારણોસર આવા વ્યાજખોરો વિરૂધ્ધ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં માથાભારે વ્યાજખોરો અને ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં તત્વોની હિંમત ખુલી છે અને જેને પગલે હાલ પણ દાહોદ જિલ્લામાં આવા વ્યાજખોરોના આતંક ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આવા વ્યાજખોરો પણ લગામ કસવા માટે હવે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક્શન પ્લાન બનાવી દેવામાં આવ્યો છે. ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ – ૨૦૧૧ના કાયદા હેઠળ હવે રજીસ્ટ્રેશન, નોંધણી કરાવ્યાં વિનાના વ્યક્તિઓ નાણાં ધિરધારનો, વ્યાજ વટાવનો ધંધો કરી શકશે નહીં. નાણાં ધીરનાર વ્યક્તિઓ સરકારે નિયત કરેલ વ્યાજદરથી વધુ વ્યાજ દર વસુલી શકશે નહીં જાે કોઈ આવુ કૃત્ય કરશે તો ગંભીર સજાને પાત્ર થશે. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે કે, ગેર કાયદેસરની નાણાં ધીરધારની પ્રવૃતિ ચાલતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન તથા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જણાવાયું છે ત્યારે આવી માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમ પણ પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે. દાહોદ જિલ્લામાં હવે કદાચ ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં અને ઉંચા વ્યાજે નાણાં ધિરાણ કરતાં ઈસમો પણ લગામ કસવામાં આવશે તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય.