65મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત રાષ્ટ્રીય આર્ચરી સ્પર્ધામાં ગુજરાતની મહિલા ટીમ દ્વારા સિલ્વર મેડલ જીતીને દાહોદ જિલ્લાના તથા દેવગઢબારીઆ નગરમાં આવેલ શ્રી સર રણજિતસિંહજી હાઈસ્કૂલની પ્રતિભામાં વધારો.
દે.બારીઆ તા.22
દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ નગરમાં આવેલ અને જિલ્લા સ્તરે એક માત્ર ડી.એલ.એસ.એસ.સ્કુલ એટલે શ્રી રણજીતસિંહજી હાઈસ્કુલ. તાજેતરમાં જ તારીખ 18 જાન્યુ. થી 21 જાન્યુ.2020 દરમિયાન રાંચી ખાતે 65મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત રાષ્ટ્રીય આર્ચરી (તીરંદાજી) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ભારતના દરેક રાજ્યોમાંથી કુલ 43 જેટલી ટીમો આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્યની ટીમ વતી આ રાષ્ટ્રીય આર્ચરી(તીરંદાજી) સ્પર્ધામાં દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ નગરમાં આવેલ શ્રી રણજીસિંહજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ કુ. વર્મા વિધિ અને ભુરિયા રોશની તેમજ પંચમહાલ જિલ્લામાં અભ્યાસ કરતી રાઠવા લક્ષ્મીબેન તથા સંસ્કારધામ અમદાવાદ ખાતે અભ્યાસ કરતી કુ. રીયા પરમારે ગુજરાત અંદર 19 ટીમ વતી પ્રતિનિધિત્વ કર્યું હતું. રાષ્ટ્રીય કક્ષાની આ તીરંદાજી સ્પર્ધામાં ગુજરાતની મહિલા ટીમ વતી સિલ્વર મેડલ મેળવી રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્યનું તથા પંચમહાલ,દાહોદ અને અમદાવાદ જિલ્લાનું અને પોતે અભ્યાસ કરતી શૈક્ષણિક સંસ્થાની પ્રતિભામાં ચાર ચાંદ લગાવી દીધા છે. જેને લઇને આર્ચરી(તીરંદાજી) રમતના કોચ માનસિંગભાઈ ભીલ તથા સ્વ.જયદીપસિંહજી રમત ગમત સંકુલના સિનિયર કોચ ડી.એસ. રાઠોડ તથા એસ.આર.હાઈસ્કુલના સંચાલક મંડળના ટ્રસ્ટીઓ તથા શાળાના આચાર્યશ્રીએ વિજેતા થયેલ ટીમ અને શાળાની વિધાર્થિનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આગામી આવનાર સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ આર્ચરી (તીરંદાજી) સ્પર્ધામાં ભાગ લઈ આગળ વધે અને દેશનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.