Monday, 07/07/2025
Dark Mode

ફતેપુરા તાલુકામાં સરકારના જાહેરનામાનો ભંગ કરતા લાપરવાહ લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ:મોટાભાગના વેપારીઓ તથા લોકો માસ્ક વિનાના જોવાતા સુપર સ્પ્રેડર બનવાની ભીતિ…

ફતેપુરા તાલુકામાં સરકારના જાહેરનામાનો ભંગ કરતા લાપરવાહ લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ:મોટાભાગના વેપારીઓ તથા લોકો માસ્ક વિનાના જોવાતા સુપર સ્પ્રેડર બનવાની ભીતિ…

 બાબુ સોલંકી :- સુખસર 

  • ફતેપુરા તાલુકામાં સરકારના જાહેરનામાનો ભંગ કરતા લાપરવાહ લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ.
  • મોટાભાગના વેપારીઓ તથા લોકો માસ્ક વિનાના જોવા મળી રહ્યા છે.
  • કેટલાક શાકભાજી તથા છૂટક વેપાર ધંધો કરતા વેપારીઓ સમયના જાહેરનામાની અવગણના કરી પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખે છે.
  •  વિવિધ પ્રસંગોમાં ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ છતાં અનેક ગામડાઓમાં રાત્રિના સમયે ડીજે ચાલુ રાખવામાં આવે છે.
  • યોજાતા લગ્ન પ્રસંગોમાં લોકોની હાજરી પ્રત્યે પણ છડેચોક જાહેરનામાનો ભંગ થાય છે.
  •  ફતેપુરા તાલુકામાં હાલ મોટા ભાગના ગામડાઓમાં “ઘરે રહો, સુરક્ષિત રહો”ના સૂત્ર અને ભૂલી ફરતા લોકો તાવ ,માથા, શરદી,ખાંસી,ઝાડા-ઊલટી,શરીર દુખાવા જેવી બીમારીઓમાં સપડાયેલા છે.
  •  તાલુકાના ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની લાઈનો લાગે છે,જ્યારે સરકારી દવાખાનાઓમાં દર્દીઓની જૂજ સંખ્યા

( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૨

ફતેપુરા તાલુકામાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો મોટાભાગના લોકો સરેઆમ ભંગ કરી રહ્યા છે.અને જેના લીધે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સહિત વિવિધ બીમારીઓમાં લોકો સપડાઈ રહ્યા છે. તેમજ બહાર પાડવામાં આવેલ જાહેરનામા પ્રમાણે કેટલાક વેપારીઓ તથા ગ્રાહકો તેનું પાલન કરતા નહીં હોવાનું તેમજ સમયની પાબંધી પણ તેમને નડતી ન હોય તેમ જોવા મળી રહ્યું છે.જ્યારે હાલ લગ્ન પ્રસંગોમાં પણ વિવિધ પ્રકારે જાહેરનામાનો ભંગ કરવામાં આવતો હોવાનું જોવા અને સાંભળવા પણ મળે છે.મોટાભાગના ગામડાઓમાં લોકો પોતાની બેદરકારી થી વિવિધ વાઇરલ ઇન્ફેકશનની બીમારીઓમાં પણ સપડાઈ રહ્યા છે. કોરોના સહિત વિવિધ બિમારીઓ પ્રજાને પૂરેપૂરી બાનમાં લઈ લે તે પહેલા વહીવટી તંત્રો એ કાયદાકીય રીતે કડકાઈથી કામગીરી કરવાની જરૂરત જણાઈ રહી છે.
સમગ્ર દેશ હાલ કોરોના બીમારી ની મહામારી માંથી પસાર થઇ રહ્યો છે. જેથી ગુજરાત સરકાર તથા દાહોદ જિલ્લા વહીવટી તંત્રો દ્વારા પોતાની પરવા કર્યા વિના રાત દિવસ ખડે પગે રહી કોરોના ઉપર અંકુશ લાવવા કામગીરી કરી રહેલ છે.તેમજ સમયને અનુલક્ષીને જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કેટલાક લોકો જાહેરનામાનો ભંગ કરી રોગચાળાને પ્રોત્સાહન આપી સામેથી બોલાવતા હોય તેવું જણાઈ રહ્યું છે. જેમાં હાલ વેપાર-ધંધા ચાલુ રાખવા માટે સવારના છ થી સાંજના ચાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવેલ છે.જે નિયમનું શાકભાજી તથા છૂટક વેપાર ધંધો કરતા કેટલાક દુકાનદારો દ્વારા ઉલ્લંઘન કરવામાં આવી રહેયુ હોવાનું જોવા મળે છે. જોકે કેટલાક વેપારીઓ સહિત ગ્રાહકો માસ્કનું તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન નહીં કરતા હોવાનું નજરે જોતા જણાઈ આવે છે.
હાલ ફતેપુરા તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન પ્રસંગો સહિત અન્ય શુભ પ્રસંગો ઊજવાઈ રહ્યા છે. ત્યારે જાહેરનામા મુજબ આવા પ્રસંગોમાં ૫૦ થી વધારે લોકોને ભેગા નહીં કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.તેમ છતાં મોટાભાગના લોકોમાં આ નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે.તેમજ હાલ આવા પ્રસંગોમાં ડીજે વગાડવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાગવામાં આવેલ છે. તેમ છતાં હાલમાં કેટલાક પ્રસંગ ઉજવતા નિડરો તથા ડીજે સંચાલક કલેક્ટરના જાહેરનામાનો અરે આમ ભંગ કરી રાત્રિના સમયે ડીજે ચાલુ રાખતા હોય છે.અને તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય છે.તેમ છતાં આવા લોકોને કાયદાનો ડર કેમ નથી ?તે એક યક્ષ પ્રશ્ન છે.
સરકાર દ્વારા પ્રજામાં રોગચાળો વકરે નહીં તે હેતુથી “ઘરે રહો, સુરક્ષિત રહો”નું સૂત્ર આપ્યું છે.તેમ છતાં કેટલા લોકો અન્યની તો ઠીક પરંતુ પોતાની પણ પરવા કર્યા વગર નિયમોનું ઉલ્લંધન કરી ફરતા હોય છે. ત્યારે વગર આમંત્રણે આવા લોકો રોગને નોતરી લાવતા હોય છે. જોકે હાલ ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ના લોકોમા કોરોનાનો ડર તો છે જ પરંતુ હાલ ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના લોકો તાવ,માથા,શરદી- ખાંસી,ઝાડા-ઉલટી શરીર દુ:ખાવા જેવી બીમારીઓમાં સપડાઈ રહ્યા છે. ત્યારે પ્રજામાં ખોટો ડર પેદા થાય તે પહેલા ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ વાયરલ ઈન્ફેક્શન બાબતે લોકોને સમયસર સારવાર કરાવે તે પ્રત્યે માહિતગાર કરે તે પણ હાલના સમયમાં ખૂબજ જરૂરી જણાઇ રહ્યું છે.
અહીંયા ઉલ્લેખનીય છે કે,હાલમાં રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં કોરોનાના કેસો વધતા જાય છે.બીજી બાજુ તંત્રો પણ સજાગ બની ચૂક્યા છે.અને રોગચાળાને વિસ્તરતો અટકાવવા તમામ પ્રકારના પગલા પણ ભરાઈ રહ્યા છે.અને મોટાભાગે સરકાર દ્વારા કોરોના ગ્રસ્ત લોકો સામે ખાસ ધ્યાન આપી સાજા થઇ ઘરે જાય તેની કામગીરીમાં રાત દિવસ ઉભા પગે કામગીરી કરી રહ્યું છે. બીજી બાજુ જોઈએ તો ગ્રામ્ય વિસ્તારોમાં નજર નાખતા વાયરલ ઈન્ફેક્શન જેવી બીમારી પણ લોકોમાં વધી રહી છે.ત્યારે તે પ્રત્યે પણ ધ્યાન આપવાની જરૂરત છે.હાલ તાલુકામાં આવેલા ખાનગી દવાખાનાઓમાં વહેલી સવારથી સાંજના મોડા સુધી તાવ,માથા,શરદી-ખાસી ઝાડા-ઉલટી, શરીર દુ:ખાવા જેવી બીમારીઓમાં સપડાયેલા દર્દીઓની લાઈનો લાગતી હોવાનું નજરે જોતાં જણાઈ આવે છે. જોકે હાલ કોરોના મહામારીના સમયગાળામાં કેટલાક તકવાદી લોકો સરકારી દવાખાનાનો દુષ્પ્રચાર કરી પ્રજાને ભડકાવવાનું કામ કરતા હોય સરકારી દવાખાનામાં જૂજ દર્દીઓ જોવા મળી રહ્યા છે. તેમજ થોડા સમય માટે સામાજિક પ્રસંગો ઉપર સદંતર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. સાથે જરૂરત પડે તો જિલ્લામાં અમુક દિવસો માટે સંપૂર્ણ લોકડાઉન કરવા સુધીના પગલા ભરાય તે પણ યોગ્ય હશે.
અહીંયા એ પણ જાણવું જરૂરી છે કે,પ્રજા નિરોગી રહે તે માટે સરકાર અને વહીવટી તંત્રો કાર્યશીલ છે.પરંતુ સરકાર દ્વારા પ્રજાના હિત માટે સાવચેતી રાખવા જાહેરનામાઓ પ્રસિદ્ધ કરે છે છે.તેનું પાલન કરવામાં પ્રજા પીછેહઠ કરતી હોય વધુ લોકો રોગચાળામાં સપડાય છે.પરંતુ પ્રજાએ પણ સમજવું જરૂરી છે કે,દેશના વડાપ્રધાન,રાજ્યના મુખ્યમંત્રી,જિલ્લાના કલેકટર અને તેમના કર્મચારીઓ ઘેર-ઘેર,એક-એક વ્યક્તિ પાસે પહોંચી ન શકે તે સમજી શકાય તેવી બાબત છે.અને તાલુકા-જિલ્લા, રાજ્ય અને દેશ ઉપર આવી પડેલી મુશ્કેલીનો સામનો કરવા એક -એક વ્યક્તિએ જાગૃત બની મુશ્કેલીનો સામનો કરવા સહકાર આપવો પડશે. ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવવો તમામ નાગરિકો નો હક છે પરંતુ હાલના સમયમાં વિરોધના શસ્ત્ર કરતા સહકારની ભાવનાની પ્રજાને વધુ જરૂરત છે.નહીં તો આપણે ઘરે બેઠા સરકાર અને વહીવટી તંત્રોનો વિરોધ કરવામાંથી ઊંચા નહીં આવીએ તો જે-તે પરિણામ ભોગવવાનું આપણા ભાગે આવશે.ત્યારે આપણને વિરોધ કરતા આવડતું હોયતો પ્રજાની મુશ્કેલીના સમયે પ્રજાને સહકાર આપવા પણ પાછીપાની કરવી જોઈએ નહીં તે યાદ રાખવું જોઈએ.

error: Content is protected !!