Tuesday, 21/09/2021
Dark Mode

આદિવાસીઓ ગરીબોની સેવામાં જીવન સમર્પિત કરનારા વિરલ પુરુષોથી જ ગુજરાત સુશોભિત-પ્રતિષ્ઠિત છે :વિજયભાઇ રૂપાણી

આદિવાસીઓ ગરીબોની સેવામાં જીવન સમર્પિત કરનારા વિરલ પુરુષોથી જ ગુજરાત સુશોભિત-પ્રતિષ્ઠિત છે :વિજયભાઇ રૂપાણી

 હિતેશ કલાલ @ સુખસર 

આદિવાસીઓ ગરીબોની સેવામાં જીવન સમર્પિત કરનારા વિરલ પુરુષોથી જ ગુજરાત સુશોભિત-પ્રતિષ્ઠિત છે
-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ઝાલોદમાં પૂ. ઠક્કર બાપાની ૧૫૦મી જન્મ જયંતી તેમજ-પૂ. મોટાની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો, રાજ્યમાં માવઠાથી થયેલા નુકસાન અંગે આપવામાં આવેલી અત્યાર સુધીની ૩૦ વર્ષની સહાયના કુલ સરવાળા કરતા પણ વધુ આ વર્ષે રૂ. ૩૮૦૦ કરોડનું ખેડૂતોને રાહત પેકેજ 

દાહોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ સ્થિત ટીટોડી કુમાર આશ્રમ શાળા ખાતે પૂ. ઠક્કર બાપાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી સહભાગી બન્યા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે, પૂ. ઠક્કર બાપા જેવા અનેક મહાનુભાવો ગાંધીજીના વિચારોથી અભિભૂત થઇ લોકસેવાના મહાન કાર્યમાં જોડાયા હતા. તેમાં શ્રી અંબાલાલભાઇ વ્યાસ પણ હતા. તેમણે ૧૯૨૩માં ટીટોડી ખાતે કુમાર આશ્રમ શાળાનો પ્રારંભ કર્યો હતો. તે સમયે ટાંચાના સાધનો થકી આદિવાસી વિસ્તારમાં શિક્ષણ અને સમાજ સેવાનો યજ્ઞ આરંભ્યો હતો. આજે તેના પરિણામે આ વિસ્તારનો સમાજ શિક્ષિત બન્યો છે. શ્રી અંબાલાલ વ્યાસની સેવા માત્ર પંચમહાલ વિસ્તાર પૂરતી સીમિત ન રહેતા, છેક હાલના પાકિસ્તાન-સિંધના થરપારકર અને નગરપારકર ઉપરાંત ઓરિસ્સામાં પણ લોકસેવાના તેઓ પ્રહરી બન્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વર્તમાન સમયે આ વિસ્તારમાં ૪૫ જેટલી આશ્રમ શાળાઓ ચાલી રહી છે અને આદિવાસી બાળકોને શિક્ષણ સાથે રચનાત્મક શિક્ષણ આપવાનું કાર્ય કરી રહી છે. આવી આશ્રમ શાળાઓને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૬ કરોડની સહાય આપવામાં આવી રહી છે. આશ્રમ શાળાઓ સામાજિક ચેતનાનું કેન્દ્ર હતા. આદિવાસી બાળકોના ચારિત્ર્ય નિર્માણમાં આશ્રમ શાળાઓની ભૂમિકા મહત્વની રહી છે. રાજ્ય સરકાર આશ્રમ શાળાના વિકાસ માટે કટિબદ્ધ છે અને આધુનિક યુગના મુખ્ય પ્રવાહમાં તેમને જોડવા માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે.
શ્રી રૂપાણીએ કહ્યું કે આશ્રમ શાળામાં અભ્યાસથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે અને તેમને સંસ્કારિતા સાથે ગુણાત્મક શિક્ષણ મળે છે. આશ્રમ શાળાનો અંતેવાસી બાળક પાયાનું શિક્ષણ મેળવી કૌશલ્યવાન બને છે. તેથી આવી રચનાત્મક પ્રવૃત્તિ ચાલતી રહે તેની ફરજ રાજ્ય સરકારની બને છે.
મુખ્યમંત્રીશ્રીએ વનબંધુ કલ્યાણ યોજનાની વિશદ ભૂમિકા આપતાં જણાવ્યું કે આ યોજના અંતર્ગત આદિવાસીઓના વિકાસ માટે રૂ. ૯૦ હજાર કરોડ ખર્ચવામાં આવ્યા છે. અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારમાં રસ્તા, પાણી, કૃષિ, વીજળી અને આરોગ્ય સેવાઓ વધુ બહેતર બનાવવામાં આવી છે. બે દાયકા પહેલા ગુજરાતમાં માત્ર ૮ મેડિકલ કોલેજ હતી, તેની સાપેક્ષે આજે ગુજરાતમાં ૨૯ મેડિકલ કોલેજ અને તેમાં ૫૫૦૦ બેઠકો છે. દાહોદનો કોઇ તેજસ્વી છાત્ર ડોકટર બની સ્થાનિક જ લોકોની આરોગ્યલક્ષી સેવા કરે એવી સરકારની નેમ છે. આદિવાસી યુવાનો કૌશલ્યવાન બને એ માટે પણ સરકાર તત્પર છે. પેસા એક્ટનો અમલ પણ આ સરકારે કરી આદિવાસીઓને તેમના અધિકાર આપ્યા છે
તેમણે એમ પણ કહ્યું કે, ગત દીવાળી દરમિયાન પડેલા વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે અને તે બાબતની રાજ્ય સરકારને ચિંતા છે. એટલા માટે જ પાછલા ત્રીસ વર્ષ દરમિયાન માવઠાથી થયેલા નુકસાન અંગે આપવામાં આવેલી સહાયના કુલ સરવાળા કરતા પણ વધુ આ વર્ષે રૂ. ૩૮૦૦ કરોડનું રાહત પેકેજ ખેડૂતોને આપવામાં આવ્યું છે.
આ ડિસેમ્બર સુધીમાં નુકસાનગ્રસ્ત ખેડૂતોની વિગતો ઓનલાઇન થઇ જાય પછી તુરંત જ સહાયનું વિતરણ શરૂ કરી દેવામાં આવશે. એથી ખેડૂતોએ કોઇ જ પ્રકારની ચિંતા કરવાની જરૂરત નથી, એવું આશ્વાસન મુખ્યમંત્રીશ્રીએ આપ્યું હતું.આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશભાઇ પારગી, ધારાસભ્ય શ્રી ભાવેશભાઇ કટારા, રમેશભાઇ કટારા, ચંદ્રિકાબેન બારિયા, શૈલેષભાઇ ભાભોર, વજેસિંહભાઇ પણદા, અગ્રણી શ્રી શંકરભાઇ અમલિયાર, શ્રી અમિતભાઇ ઠાકર, પૂર્વ સાંસદ શ્રીમતી પ્રભાબેન તાવિઆડ, પૂર્વ વિધાયક શ્રી મહેશભાઇ ભૂરિયા, ભીલ સેવા મંડળના શ્રી પરથિંગભાઇ મુનિયા, મંત્રી શ્રી મુકેશભાઇ પરમાર, સંચાલક મંડળના સભ્યો, રેન્જ આઇજીશ્રી એમ.એસ ભરાડા, કલેક્ટર શ્રી વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર, પૂર્વ છાત્રો સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!