ભારતબંધના એલાનને શહેર સહીત જિલ્લામાં મોળો પ્રતિસાદ:ચોક્કસ લઘુમતી વિસ્તારો સિવાયના બજારો રાબેતા મુજબ ધમધમતા રહ્યા

Editor Dahod Live
3 Min Read

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલ સી.એ.એ, એન.આર.સી અને એન.પી.આરના કાયદાના વિરોધમાં બહુજન ક્રાંતિ મોરચાની બૈઠકમાં ભારત બંધનું એલાનને દાહોદ શહેર સહીત જિલ્લામાં મોળો પ્રતિસાદ,લઘુમતી વિસ્તારો સજ્જડ બંધ, ચોક્કસ લઘુમતી વિસ્તારોને બાદ કરતા અન્ય વિસ્તારો રાબેતા મુજબ ધમધમતા રહ્યા, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો,નગરપાલિકા હસ્તકના શાકમાર્કેટમાં  લઘુમતી સમાજનાં વેપારીઓએ માર્કેટને તાળો મારતા હોબાળો, નગરપાલિકાના સત્તાધીશો તેમજ પોલીસ તંત્ર વચ્ચે ચકમક જોવા મળી,ફતેપુરામાં બંધ ને આંશિક અસર, સુખસર બજારો રાબેતા મુજબ ખુલા રહ્યા.    

દાહોદ તા.૨૯

કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલ સી.એ.એ, એન.આર.સી અને એન.પી.આરના કાયદાના વિરોધમાં બહુજન ક્રાંતિ મોરચાની બૈઠકમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.ત્યારે દાહોદજિલ્લાના લઘુમતી સમાજ દ્વારા ભારત બંધના એલાનને ટેકો જાહેર કરી પોતાના ધંધો રોજગાર બંધ કરી કામકાજથી અળગા રહેવા નિર્ણય કર્યો હતો.આ ભારત બંધનું દાહોદ શહેર સહીત જિલ્લાના લઘુમતિ વિસ્તારો સિવાય અન્ય કોઈ વિસ્તારોમાં બંધની અસર જોવા મળી ન હતી.તેમજ લઘુમતિ વિસ્તારો તેમજ બજારો સજ્જડ બંધ રહેવા પામ્યા હતા.જ્યારે આ સિવાયના બજારો રાબેતા મુજબ ધમધમતા રહેતા આજના બંધની દાહોદ શહેરમાં મોળો પ્રતિસાદ તેમજ નહિવત્‌ અસર જોવા મળી હતી.જયારે આ બંધને ધ્યાને રાખી પોલિસતંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લઘુમતી વિસ્તારોમાં ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ નગરપાલિકાની સામે આવેલ નગરપાલિકાની હસ્તકની શાક માર્કેટને લઘુમતિ કોમના વેપારીઓએ શાક માર્કેટના ચારેય ગેટને તાળા મારી દેવામાં આવ્યા હતા.બીજી તરફ આ શાક માર્કેટમાં લઘુમતિ કોમના વેપારી સાથે સાથે બીજા કોમના પણ વેપારી હોઈ જેઓ પોતાની રોજગાર ધંધો શરૂ કરવા આવતા શાક માર્કેટ તરફ જતા શાક માર્કેટના દરવાજે તાળા જોતા આ બાબતની જાણ દાહોદ નગરપાલિકાને થતાં દાહોદ નગરપાલિકાના સત્તાધીશોનો કાફલો શાક માર્કેટ ખાતે ઘસી આવ્યો હતો. પોલીસ, નગરપાલિકાના સત્તાધિશો તેમજ લઘુમતિ કોમના વેપારીઓ વચ્ચે અંદરો અંદર ભારે રકછક થઈ હતી.આ બાદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ શાક માર્કેટના તાળા તોડી નાંખી પુનઃ શાક માર્કેટ શરૂ કરવામાં આવ્યું હતુ.

સમગ્ર દેશભરમાં હાલ સી.એ.એ, એન.આર.સી અને એન.પી.આર કાયદાના વિરોધ ઘણા સ્થળોએ સમર્થન અને ઘણી જગ્યાએ આ કાયદાના વિરોધમાં અનેક પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે.ત્યારે આજે આ કાયદાના વિરોધમાં બહુજન ક્રાંતિ મોરચાની બૈઠકમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતુ. આ બંધને દાહોદ શહેર સહિત જિલ્લામાં મોળો  પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને ચુસ્ત લઘુમતી કોમના વિસ્તાર જેવા કે, યાદગાર ચોક, મોટા ઘાંચીવાડ, નાના ઘાંચીવાડા, કસ્બા વિસ્તાર વિગેરે જેવા લઘુમતિ કોમના વિસ્તારોમાં લોકોએ પોતાના રોજગાર – ધંધા બંધ રાખી કામકાજથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર વિરોધને જોઈ પોલીસ દ્વારા શહેરભરમાં સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને લઘુમતિ કોમના વિસ્તારોમાં પોલીસે ખડે પગે ઉભી રહી કામગીરી બજાવી હતી.તો બીજી તરફ શહેરના બીજા બજારો જેવા કે, સ્ટેશન રોડ, ગોવિંદ નગર, પડાવ વિસ્તાર, ગોદીરોડ, ગોધરા રોડ જેવા સતત ધમધમતા વિસ્તારોમાં આ બંધની કોઈ અસર જોવા મળી ન હતી અને રાબેતા મુજબનો માહોલ નજરે પડ્યો હતો. શાંતિ પુર્ણ વાતાવરણમાં આ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

Share This Article