દાહોદ શહેરમાં દસ દિવસ અગાઉ થયેલા આત્મહત્યા કેસમાં નવો વળાંક:પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનો દ્વારા યુવકને માર મારી આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવા બદલ ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરતી દાહોદ શહેર પોલિસ

Editor Dahod Live
2 Min Read

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૨

તારીખ ૧૨મી ઓક્ટોબરના રોજ દાહોદ શહેરના યાદવ ચાલ ખાતે એક ૧૯ વર્ષીય યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાના પ્રકરણ બાદ આ યુવકના પિતા દ્વારા પોતાના દિકરાને પ્રેમપ્રકરણ સંબંધી યુવતીના પરિવારજનો દ્વારા યુવકને ધાકધમકીઓ આપી તેમજ માર મારી મરી જવા માટે દુષ્પ્રેરણા કરતાં યુવકે આ પગલું ઉઠાવ્યું હોવાનું જણાવી યુવતીના પરિવારના ત્રણ સદસ્યો વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મરણજનાર ભાવેશ ઉર્ફે મહાવીરનોં ફાઈલ ફોટો 

દાહોદ શહેરમાં બસ સ્ટેશન સામે યાદવ ચાલ ખાતે રહેતા રાજુભાઈ છોટાલાલ યાદવનો આશાસ્પદ ૧૯ વર્ષીય પુત્ર મહાવીર રાજુભાઈ યાદવની ગત તા.૧૨મી ઓક્ટોબરના રોજ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં ગત તારીખ ૨૧મી ઓક્ટોબરના રોજ રાજુભાઈ છોટાલાલ યાદવે દાહોદ શહેર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, દાહોદ નવકાર કોમ્પલેક્ષમાં રહેતા વિજયભાઈ કડીયાભાઈ યાદવની પુત્રી સાથે મહાવીરનો પ્રેમ સંબંધ ચાલતો હતો જે અંગેની જાણ વિજયભાઈને થતાં મહાવીરને થપકો આપ્યો હતો, તેમ છતાં મહાવીરે વિજયભાઈની છોકરી સાથે પ્રેમસંબંધ રાખતો હતો. આ અંગે વિજયભાઈએ બસ સ્ટશન સામે યાદવ ચાલમાં રહેતા ધીરજ ઉર્ફે કાલીયા ઉર્ફે ડોન ગણેશ યાદવને કહેતા ધીરજ તેમજ તેના સાથી મીત્ર વિમલભાઈ હરીશચંન્દ્ર યાદવ (રહે. વ્રજવિહાર એપાર્ટમેન્ટ,દાહોદ) નાઓએ મહાવીરને દાહોદ બસ સ્ટેશનથી લઈ જઈ વિજયભાઈ પાસે લાવ્યા હતા અને ત્યા આ ત્રણેય જણાએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે મહાવીરને માર મારી, મરી જવા માટે દુષ્પ્રેરણ કરી મોત નિપજાવડાવી હોવાની મૃતક મહાવીરના પિતા રાજુભાઈ છોટાલાલ યાદવે ધીરજ, વિમલ અને વિજયભાઈ વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.

Share This Article