સુમિત વણઝારા
ઝાલોદ તાલુકાના પીપલેટ ગામે ચૂંટણીની અદાવતે મારક હથિયારોથી સજ્જ 45 લોકોના ટોળાએ એક વ્યક્તિના ઘરે હુમલો કરી ધિંગાણું મચાવ્યુ: ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત..
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપલેટ ગામે સરપંચની ચુંટણી સંબંધી ૪૫ જેટલા ઈસમોના ટોળાએ ગેરકાયદે મંડળી બનાવી હાથમાં મારક હથિયારો ધારણ કરી ગામમાં રહેતાં એક વ્યક્તિના ઘરે આવી ભારે ધિંગાણું મચાવી મહિલા સહિત ત્રણ જણાને હથિયારો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ગત તા.૦૫મી એપ્રિલના રોજ પીપલેટ ગામે રહેતાં રમેશભાઈ ખાનાભાઈ ડામોર, અરવિંદભાઈ રામુડાભાઈ ડામોર, ગોરસીંગભાઈ ટીટાભાઈ ડામોક, લીમાભાઈ કાળીયાભાઈ ડામોર, કૃણાલભાઈ રમેશભાઈ ડામોર, હકરીયાભાઈ ટીટાભાઈ ડામોર તથા તેમની સાથે બીજા ૪૦ જેટલા ઈસમોના ટોળાએ પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી, કીકીયારીઓ કરી, ગેરકાયદે મંડળી બનાવી ગામમાં રહેતાં કૈલેશભાઈ તાનસીંગભાઈ ડાંગીના ઘરે આવી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, અમે પણ ચુંટણી લડવાના છીએ, તમોને સરપંચની ચુંટણીમાં ફોર્મ ભરવા દેવાના નથી, તેમ કહેતાં કૈલેશભાઈના પરિવારમાંથી અલ્કેશભાઈએ કહેલ કે, ચુંટણી લડવાનો અધિકાર તમામને છે, અમે પણ ફોર્મ ભરવાના છીએ, તેમ કહેતાં ઉપરોક્ત ટોળુ એકદમ ઉશ્કેરાઈ ગયું હતું અને અલ્કેશભાઈને, કૈલેશભાઈને અને રવિનાબેનન ધારીયા વડે, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવી મારી નાંખવાની ધમકી આપી ટોળુ નાસી જતાં આ સંબંધે ઈજાગ્રસ્ત કૈલેશભાઈ તાનસીંગભાઈ ડાંગીએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.