પેથાપુર હાઈસ્કૂલના શિક્ષક ડૉ. જયંત પરમારની શિક્ષણમાં ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરાયું
પાલનપુર ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘ભવ્ય સારસ્વત સન્માન’કાર્યક્રમમાં શીલ્ડ મેડલ અને પ્રશસ્તિ પ્રમાણપત્ર આપવામાં આવ્યું
રિપોર્ટર:બાબુ સોલંકી,સુખસર
સુખસર તા.12

શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પ્રતિનિધિ અને સંયોજક તરીકે ડૉ.જયંત પરમારનું રાજ્ય સરકાર અને નોલેજ વેલી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પાલનપુર ખાતે શ્રેષ્ઠ શિક્ષક તરીકે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા, નવીનતા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘ભવ્ય સારસ્વત સન્માન’ કાર્યક્રમમાં શિલ્ડ,મેડલ અને પ્રશસ્તિ પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અને રાષ્ટ્રીય પાઠ્યક્રમ માળખા (NCF) ના અસરકારક અમલીકરણ તેમજ ‘લર્નિંગ વિથ જોય’ (આનંદદાયી શિક્ષણ) ના મૂલ્યોને ચરિતાર્થ કરવા બદલ રાજ્યના 15000થી વધુ પ્રતિભાશાળી અને પથદર્શક શિક્ષકોના સન્માનના આ પ્રથમ તબક્કામાં કુલ 2525 શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા હતા.જેમાં પેથાપુર હાઈસ્કૂલના શિક્ષક ડૉ.જયંત પરમાર ની વિશેષ પસંદગી કરીને તેમને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ રાજ્યના ઉચ્ચ પદાધિકારીશ્રીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ સન્માન બદલ શાળા પરિવાર, સમગ્ર દાહોદ જિલ્લો,મિત્ર વર્તુળ અને શિક્ષણ જગતમાંથી આ સિદ્ધિ બદલ જયંત પરમારને અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.
આ પ્રસંગે સન્માનિત શિક્ષક ડૉ.જયંત પરમારે જણાવ્યું હતું કે, “આ સન્માન મારા કાર્ય પ્રત્યેની જવાબદારીમાં વધારો કરે છે.અને ભવિષ્યમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે વધુ ઉત્સાહથી કાર્ય કરવાની મને પ્રેરણા પૂરી પાડે છે.”અનેક શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ વધુને વધુ દેશ સેવામાં જોડાય તેના માટે કાર્ય કરતો રહીશ તેમ જણાવ્યું હતું.
