સુખસર તાલુકાના મારગાળા પચોર ફળિયા કૂવામાંથી 45 વર્ષીય વ્યક્તિની લાશ મળતા ચકચાર
મૃતક યુવાન બહારગામ મજુરી કામે જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ ચોથા દિવસે લાશ મળી આવી
બાબુ સોલંકી:સુખસર
સુખસર,તા.7
સુખસર તાલુકામાં સમયાંતરે કુવાઓ માંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવવાના બનાવો સામાન્ય બની રહ્યા છે.છેલ્લા ચૌદ વર્ષમાં સુખસર વિસ્તારમાંથી એંસી થી પણ વધુ શંકાસ્પદ હાલતમાં કુવા અને બિનવારસી લાશો મળી આવવાના બનાવો બની ચૂકેલા છે.જેમાં વધુ એક બનાવ આજરોજ સુખસર તાલુકાના મારગાળા ગામના મોટીપચોર ફળિયા કૂવામાંથી ચાર દિવસ અગાઉ બહાર ગામ મજુરી કામે જવાનું જણાવી 45 વર્ષીય વ્યક્તિ ઘરેથી નીકળ્યા બાદ તેની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
જાણવા મળેલ વિગતો મુજબ સુખસર તાલુકાના મારગાળા નાળ ફળિયા ખાતે રહેતા નરેશભાઈ સામુભાઈ ગરાસીયા(ઉંમર વર્ષ આશરે 45)ખેતીવાડી તથા છૂટક મજૂરી કામ ધંધો કરી ઘરનું ગુજરાત ચલાવતા હતા. જેઓને સંતાનમાં બે પુત્ર તથા બે પુત્રીઓ છે.જેઓ રવિવારના રોજ બહારગામ મજૂરી કામે જાઉં છું તેમ ઘરના સભ્યોને જણાવી ઘરેથી નીકળ્યા હતા.ત્યારબાદ તેઓ મારગાળા મોટી પચોર ખાતે આવેલ તેમની સાસરીમાં ગયેલ.અને જ્યાંથી સાંજના છ વાગ્યાના અરસામાં ઘરે જાઉં છું તેમ કહી નીકળ્યા હતા.પરંતુ ઘરે પહોંચ્યા ન હતા.ત્યારે ઘરના તથા સાસરીના સભ્યોએ નરેશભાઈ મજૂરી કામે જતા રહ્યા હશે તેમ માની લીધું હતું.પરંતુ આજરોજ સવારના મારગાળા ગામના મોટી પચોર ફળિયા ખાતે રહેતા પુનાભાઈ મનાભાઈ ભાભોરના કૂવામાં કોઈક વ્યક્તિની લાશ તરતી હોવાનું જણાવતા આ વાત ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ હતી. અને ગ્રામજનો કુવા ઉપર ઉમટી પડ્યા હતા.તેમજ કુવામાં લાશ હોવા બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં જઈ જાણ કરવામાં આવી હતી.ત્યારે લાશને બહાર કાઢતા આ લાશ નરેશભાઈ સામુભાઈ ગરાસીયાની હોવાનું જણાતા પરિવાર સહિત સાસરીના લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.
ઉપરોક્ત બાબતે સુખસર પોલીસે પંચનામાં બાદ લાશનો કબજો મેળવી,લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલી આપી હતી.અને પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
