બાબુ સોલંકી :- સુખસર
દાહોદ જિલ્લામાં સરકારના શાસનને સ્થિર રાખવામાં આડખીલી રૂપ બનતા વિવિધ પરિબળો સામે મનોમંથન જરૂરી.
હડતાલ,આંદોલન,મોંઘવારી,સ્થાનિક જગ્યાએ રોજગારીનો અભાવ,ગ્રામીણ વિસ્તારોના વિકાસ આડે વહીવટી તંત્રોની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચાર જેવા સળગતા સવાલો આમ પ્રજાને 18 મી સદી તરફ ધકેલી રહ્યા છે.
વ્યાજબી માંગણી માટે હડતાલ ઉપર ઉતરતા અને આંદોલન કરતાં જૂથોએ પોતાની જવાબદારીથી અળગા નહીં થઈ વૈકલ્પિક રસ્તો અપનાવો જોઈએ.
મોંઘવારીએ માઝા મુકતા મધ્યમ વર્ગીય અને શ્રમિક પરિવારોને બે ટંકના ભોજન માટે અફડાતફડીનો માહોલ સર્જાઇ રહ્યો છે.
ગ્રામીણ વિસ્તારોના ભૌગોલિક વિકાસ સામે જવાબદાર વહીવટી તંત્રોની નિષ્ક્રિયતાથી તથા સ્થાનિક જગ્યાએ રોજગારીના અભાવે ગામડા તૂટતા જાય છે.
ભ્રષ્ટાચાર આચરતા તત્વોની પોલ પકડતા જવાબદારોની ઝીણી જાળમાંથી મોટી માછલીઓ છટકી જતા ભ્રષ્ટાચાર આચરવા બીજનું વાવેતર કરતા ભ્રષ્ટાચારીઓમાં નિર્ભય પેદા થઈ રહ્યો છે.
સુખસર,તા.5
સરકારના શાસનને સ્થિર રાખવામાં આડખીલીરૂપ અનેક પરિબળો કામ કરી રહ્યા છે.જેના લીધે સરકારના વહીવટમાં અસ્થિરતા સર્જાય છે.જ્યારે તેનો નિર્દોષ પ્રજાએ ભોગ બની કિંમત ચૂકવવી પડતી હોય તે જગ જાહેર બાબત છે.તેમાં ભલે પછી હડતાલ,આંદોલન હોય મોંઘવારી કે ગ્રામ વિકાસનો પ્રશ્ન હોય અથવા તો ભ્રષ્ટાચાર આ તમામમાં પરિબળો ખાસ કરીને મધ્યમ અને શ્રમિક પરિવારોને વધુ ગરીબી અને બેકારી તરફ ધકેલવાનો ટૂંકા રસ્તા છે.તેમજ મહાસત્તાનુ બિરુદ મેળવવા તરફ પ્રયાણ કરી રહેલા દેશને ધ્યેય સુધી પહોંચવા હજી દાયકાઓનો સમય પસાર કરવો પડશે તેમ હાલમાં ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાને લેતા જણાઈ રહ્યું છે.દેશના દરેક નાગરિકો દ્વારા દેશની ઉન્નતિ માટે સહભાગી થઈ પોતાનો ફાળો આપવો જોઈએ.પરંતુ ક્યારેક કેટલાક નાગરિકો દ્વારા દેશના હિતને નજર અંદાજ કરી પોતાના હિત ને વધુ મહત્વ આપવામાં આવતું હોય તેમ જણાઈ રહ્યું છે.અને તેના લીધે ગ્રામ્ય,તાલુકા,જિલ્લા,રાજ્ય તથા દેશના વિકાસમાં અનેક વિઘ્નો ઊભા થાય છે.જેમાં નિર્દોષ નાગરિકો પીસાઈ રહ્યા છે.ત્યારે દરેક નાગરિકે”બધા ભારતીયો મારા ભાઈ-બહેન છે”ના સૂત્રને સાર્થક ઠેરવવા એક સંપ થઈ કામે લાગી જવાની જરૂરત જણાઈ રહી છે.
આઝાદીના દાયકાઓ વિત્યા બાદ પણ દાહોદ જિલ્લામાં સ્થાનિક જગ્યાએ શિક્ષિત બેરોજગાર અને શ્રમિક લોકોને રોજગારી મેળવવા પૂરતો સ્ત્રોત ન હોવાના કારણે ઘર, વતન છોડી જિલ્લામાંથી મોટાભાગના શ્રમિક લોકો ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જઈ મહેનત મજૂરી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે.દાહોદ જિલ્લામાં વસવાટ કરતા તમામ સમાજના પરિવારોના ઉત્થાન અને ભૌગોલિક વિકાસ માટે સરકાર દ્વારા વર્ષો વર્ષ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.પરંતુ જિલ્લાના વિકાસ માટે ફાળવવામાં આવતા નાણાની દ્રષ્ટિએ જે વિકાસ થવો જોઈએ તે નજરે પડતો નથી.ત્યારે સરકારના આયોજન મુજબ કામગીરી નહીં થતી હોવાનું સ્પષ્ટ પણે જણાઈ આવે છે.જોકે જિલ્લાના વિસ્તારમાં વિકાસ કામો માટે જે ધ્યેયથી સરકાર દ્વારા નાણા ફાળવવામાં આવે છે.તે પ્રમાણે કામગીરી કરવામાં આવતી નથી.જેમાં સ્થાનિક જવાબદાર વહીવટી તંત્રની બેદરકારી છતી થાય છે.કામગીરી સામે જવાબદારો દ્વારા આંખ આડા કાન કરાતા દાહોદ જિલ્લાનો ભૌગોલિક વિકાસ દાયકાઓ બાદ પણ પૂર્ણ થઈ શક્યો નથી.જિલ્લામાં સરકાર દ્વારા વિકાસ માટે જે આયોજનો મુજબ નાણા ફાળવવામાં આવે છે તે મુજબ જવાબદારોની બેદરકારી કહો કે મિલી ભગત પરંતુ તે નાણાંનો પૂરેપૂરો સદ્ ઉપયોગ થતો નથી તે નિર્વિવાદ બાબત છે.ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના ભૌગોલિક વિકાસ સામે જવાબદાર વહીવટી તંત્રોની નિષ્ક્રિયતાથી તથા સ્થાનિક જગ્યાએ રોજગારીના અભાવે ગામડા તૂટતા જાય છે.ત્યારે વર્ષો વર્ષ જિલ્લાના વિકાસ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતા નાણા વિકાસ માટે ઓછા કેમ પડે છે તે એક વિચાર માંગતો પ્રશ્ન છે.દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરી વિસ્તારોના વિકાસ માટે સ્થાનિક વોર્ડ સભ્યથી લઈ લોકસભા સુધીની ચૂંટણીઓમાં જીત મેળવવા માટે ઉમેદવારો દ્વારા શામ, દામ,દંડ અને ભેદની નીતિ અપનાવી પોતાની જીત થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવે છે.છતાં દાયકાઓ બાદ દાહોદને વિકસિત જિલ્લાનું બિરુદ અપાવી શક્યા નથી.
મોંઘવારી એ માંઝા મુકતાં ગરીબ શ્રમિક અને મધ્યમ વર્ગીય પરિવારોને બે ટંકના ભોજન માટે પણ ફાફા પડી રહ્યા છે.મોટાભાગની કામગીરી હવે યાંત્રિક મશીનોથી થતી હોય શ્રમિક લોકોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે.તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જે કામગીરી શ્રમિક લોકો દ્વારા કરવાની હોય અને તેવો નિયમ પણ હોવા છતાં મોટા ભાગની કામગીરી મશીનો દ્વારા કરવામાં આવતી હોય અનેક શ્રમિક પરિવારો બેરોજગાર બનતા મહેનત મજૂરી અર્થે બાળ બચ્ચાઓ સાથે ગુજરાતના અન્ય જિલ્લાઓની વાટ પકડી રોજગારી મેળવતા દાહોદ જિલ્લાના શ્રમિકો ગુજરાતના કોઈપણ ખૂણામાં નજર નાખો ત્યાં મળી આવતા જોવા મળે છે.અને ત્યાં પણ મજૂરીકામમાં શોષણનો શિકાર બનતા હોવા છતાં મૂંગા મોઢે સહન કરી “શારીરિક શ્રમ એજ જીવન”નું સૂત્ર અપનાવી જીવન વ્યતીત કરતા હોય છે.પરંતુ શ્રમિક લોકોનું કોઈ બેલી થવા તૈયાર થતું નથી.
આવનાર સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીના પડધમની પૂર્વ તૈયારીઓ રૂપે ગુજરાતમાં તમામ પક્ષના આગેવાનોને દોડતા કરી મૂક્યા છે.અને ધીરે ધીરે પ્રજાને પોતાના પક્ષ તરફ વાળવાના પ્રયાસો થઈ રહ્યા છે. એક પ્રકારે દરેક પક્ષો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઈ કામે લાગી ચુક્યા છે.જ્યારે બીજી બાજુ જોઈએ તો કેટલાક જૂથો વર્ષોથી પોતાની પડતર વ્યાજબી માંગણીઓ માટે હડતાલ,આંદોલન અને રેલીઓ કાઢી સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે.અને પોતાની વ્યાજબી માંગણીઓ માટે સરકારી કર્મચારીઓ સરકાર પાસે માંગણી કરે તેના માટે વાંધો નથી પરંતુ સરકાર સામે હડતાલ નું શસ્ત્ર ઉગામી કર્મચારીઓ પોતાની કામગીરીથી દિવસો કે અઠવાડિયાઓ સુધી અળગા રહે ત્યારે સરકારને નુકસાન થાય છે તેનાથી વધુ આમ પ્રજાને તેનું પરિણામ ભોગવવાનું ભાગે આવતું હોય છે.જ્યારે વિવિધ માંગણીઓ માટે આંદોલનકારીઓએ આંદોલનો કરી રસ્તારોકો,ચક્કાજામ જેવા શસ્ત્રો ઉગામી સરકાર સામે વિરોધ પ્રકટ કરતા હોય છે.જેનાથી પણ સરકારને નુકસાન પહોંચે છે.પરંતુ તેનાથી વધુ પ્રજાને નુકસાન થાય છે તે નિર્વિવાદ બાબત છે.અગાઉના ખેડૂત આંદોલનમાં કેટલાય નિર્દોષ ખેડૂતો ભોગ બન્યા હતા.પરંતુ આખરે ખેડૂતો અને આંદોલનકારીઓને કયો અને કેટલો ફાયદો થયો.? આ લખનાર નો મત એજ છે કે ભલે પોતાની વ્યાજબી માંગણીઓ માટે સરકાર સામે હડતાલ,આંદોલન,રેલીઓ વિગેરે માર્ગ અપનાવે પરંતુ પોતાની માંગણી સંતોષાય અને સરકાર અને પ્રજાને નુકસાન થાય નહીં તેવા વૈકલ્પિક માર્ગ અપનાવવા જોઈએ.બંધના એલાન, તાળાબંધી જેવા રસ્તાઓ દેશને અધોગતિ તરફ ધકેલતા હોય છે.
સરકાર દ્વારા વર્ષો વર્ષ જિલ્લાના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે.પરંતુ આ નાણામાં મળતીયાઓ અને સ્થાનિક વહીવટી તંત્રોના જવાબદારોની મિલી ભગતથી સરકારના આયોજન પ્રમાણે વિકાસાકાર થઈ શકતો નથી.અને જ્યારે આચરવામાં આવતા ભ્રષ્ટાચારની પોલ પ્રકાશમાં આવે છે ત્યારે તેની તપાસ હાથ ધરવામાં આવે છે.અને તેમાં સંડોવાયેલા ભ્રષ્ટાચારીઓ સામ અને દામથી કૌભાંડોના ઉપસતા પોપડાઓ ઉપર મજબૂતાઈ પૂર્વકના પ્લાસ્ટર થી દબાવવાની કોશિશો પણ કરતા હોય છે.અને ક્યારેક આચરવામાં આવેલ લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરતા તત્વોની પોલ પકડાતા જવાબદારોની ઝીણી જાળમાંથી મોટી માછલીઓ છટકી જતા ભ્રષ્ટાચાર આચરવા બીજનું વાવેતર કરતાં ભ્રષ્ટાચારીઓમાં નિર્ભય પેદા થઈ રહ્યો છે.તે પણ અગાઉ આચરાઈ ચૂકેલા અને દબાઈ ગયેલા કૌભાંડોના ભુલાઈ ગયેલા બનાવો ઉપરથી સ્પષ્ટ જોવા મળે છે.જેના લીધે ભ્રષ્ટાચારીઓ અવારનવાર ભ્રષ્ટાચાર આચરી સરકારના એટલે કે પ્રજાના નાણાનો દુરુપયોગ કરવા પ્રેરાતા હોય છે.અને જેમ-જેમ સરકાર દ્વારા વિકાસ કામો માટે નાણામાં વધારો કરવામાં આવતો હોય તેમ-તેમ ભ્રષ્ટાચારીઓની સંખ્યા પણ વધુને વધુ વિસ્તરતી જતી હોવાનું અને વિકાસ સંકુચિત બનતો જતો હોવાનું જોવા મળે છે.તેમજ ઉપરોક્ત પરિબળો સહિત અનેક એવા પરિબળો પ્રજાને સતાવી રહ્યા છે.અને જેના લીધે સરકારના શાસનને સ્થિર રાખવામાં આડખીલી રૂપ બનતા વિવિધ પરિબળો કે જે દેશની પ્રજાને 18 મી સદી તરફ ધકેલી રહ્યા છે.તે પ્રત્યે શાસકોએ મનોમંથન કરવું આવશ્યક જણાય છે.
