ફતેપુરા તાલુકાના હિન્દોલીયા ગ્રામ પંચાયત વિજેતા સરપંચ નિયત મર્યાદા કરતાં વધુ બાળકો ધરાવતા હોવાથી સરપંચ પદેથી દૂર કરવા રજૂઆત કરાઈ..

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના હિન્દોલીયા ગ્રામ પંચાયત વિજેતા સરપંચ નિયત મર્યાદા કરતાં વધુ બાળકો ધરાવતા હોય સરપંચ પદેથી દૂર કરવા રજૂઆત.

હિન્દોલીયા ગ્રામ પંચાયત વિજેતા સરપંચ ને ચાર સંતાનો હોવાની રજૂઆત.

ચોથા સંતાનનો જન્મ તારીખ-27/05/2009 ના રોજ થયેલ છે.જે સુધારા અધિનિયમ આરંભની તારીખ 03/08/2006 પછી ચોથા નંબરના બાળકનો જન્મ હોવાનું સત્તાવાર રીતે પુરવાર થાય છે.

સુખસર તા.27

ફતેપુરા તાલુકામાં કેટલીક ગ્રામ પંચાયતોમાં વિજેતા સરપંચો તથા સભ્યો વિરુદ્ધ નિયત મર્યાદા કરતાં વધુ બાળકો હોવા અંગે સ્થાનિક કક્ષાએથી લઈ રાજ્ય સરકાર સુધી રજૂઆતો કરવામાં આવી રહી છે.જેમાં હિન્દોલીયા ગ્રામ પંચાયતના સરપંચ નિયત મર્યાદા કરતા વધુ બાળકો ધરાવતાં હોઇ સરપંચ પદેથી દૂર કરવા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

      જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના હિન્દોલીયા ગ્રામ પંચાયતમાં ગત ડિસેમ્બર-2021 માં યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં પારગી કોકિલાબેન રમેશભાઈનાઓ સરપંચ તરીકે વિજેતા જાહેર થયેલા છે.જેઓની વિરુદ્ધમાં હિન્દોલીયા ગામના બારીયા સુમિત્રાબેન શાંતિલાલભાઈના ઓએ સ્થાનિક થી લઈ વિકાસ કમિશનર ગાંધીનગર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું છે કે, કોકીલાબેન પારગી ચાર સંતાનો ધરાવે છે.જેઓના પહેલા સંતાન પિનલબેન નો જન્મ વર્ષ-2000,બીજા સંતાન અર્પિતાબેન નો જન્મ વર્ષ-2002, જ્યારે ત્રીજા સંતાન કિન્નરીબેનનો જન્મ વર્ષ-2006,જ્યારે ચોથા સંતાન ધ્રુપલકુમારનો જન્મ તા.

27/05/2009 ના રોજ થયેલ છે. તેમ સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. આમ સુધારા અધિનિયમ આરંભની તારીખ- 03/8/2006 પછી ચોથા નંબરના બાળકનો જન્મ થયેલ હોવા છતાં ગેરકાયદેસર હિન્દોલીયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી વિજેતા જાહેર થયેલા છે.જેની તપાસ કરી કોકિલાબેન રમેશભાઈ પારગી ચૂંટણી લડવા માટે ગેર લાયકાત ધરાવતા હોવા છતાં તેઓ દ્વારા જાણી જોઈને ખોટી હકીકતો રજૂ કરી ચૂંટણી લડી વિજેતા જાહેર થયેલ હોય તેઓનું સરપંચ પદ રદ્દ કરવા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Share This Article