
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના કુંડલાના 24 વર્ષીય યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારતા પાટડીયા ગામના ઈસમો.
મૃતક યુવાનના કબજાની મોટરસાયકલને ટક્કર મારી ભાગી છુટેલા ડાલા ચાલકનો પીછો કરતાં પાટડીયાના સંગાડા પરિવારે યુવાનને મોતને ઘાટ ઉતાર્યો.
સુખસર,તા.1
ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં દિન-પ્રતિદિન કેટલાક અસામાજિક તત્વો દ્વારા ચિત્ર વિચિત્ર ઘટનાને અંજામ આપવાના બનાવો વધી રહ્યા છે.એક અણ બનાવની શાહી જ્યાં સુકાતી નથી ત્યાં જ બીજો બનાવ બની રહ્યો છે.તેવી જ રીતે ગતરોજ રાત્રીના કુંડલા ગામના યુવાનને પાટડીયા ગામે સામાન્ય બાબતે ગંભીર માર મારી જીવલેણ ઇજાઓ પહોંચાડતા યુવાનનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.મૃતકની લાશને સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવી હોવાનું અને આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કુંડલા ગામના ઉમરી માળ ફળિયામાં રહેતા પ્રવીણભાઈ વજેસીગભાઈ ડામોર(ઉ.વ.24) બુધવાર રાત્રિના 9 થી 10 વાગ્યાના અરસામાં ઝાલોદ તરફથી પરત કુંડલા ગામે આવી રહ્યા હતા.તેવા સમયે વેલપુરા ગામે એક ડાલા ચાલકે પ્રવીણભાઈ ડામોરની મોટરસાયકલને ટક્કર મારી ભાગી છુટ્યો હતો.જેથી પ્રવીણભાઈ ડામોર તથા તેના મિત્ર દ્વારા આ ડાલાનો પીછો કર્યો હતો.ત્યારે આ ડાલા ચાલકે પોતાના કબજાના ડાલાને પાટડીયા ગામે લાવી ઉભું રાખ્યું હતું.ત્યાં ટક્કર મારી ભાગી છૂટવા બાબતે પ્રવીણભાઈ ડામોરે પૂછપરછ કરતા પાટડીયા ગામના સંગાડા પરિવારના લોકો એકદમ ઉશ્કેરાઈ જઈ પ્રવીણભાઈ ડામોરને ગંભીર માર મારી જીવલેણ ઇજાઓ પહોંચાડી સ્થળ ઉપર જ મોતની પીજાવ્યું હોવા બાબતે મૃતકના પરિવારજનો દ્વારા ચર્ચા થઈ રહી છે. મૃતકની લાશ સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે લાવવામાં આવી છે.તેમજ આ મારામારીમાં સંડોવાયેલા મનાતા આરોપીઓને સુખસર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે.પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતકને ગળામાં તથા માથામાં સુજન હોવાનું સ્પષ્ટ રીતે જોવાઈ રહ્યું છે
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ડાલા ચાલક ઝાલોદ તાલુકાના રાયપુરા ગામનો વતની હોવાનું અને તેની સાસરી પાટડીયા ગામે હોય પત્ની સાથે સાસરીમાં આવતા સમયે તેના કબજાના ડાલાથી મોટરસાયકલને ટક્કર વાગતા મોટરસાયકલ ચાલક પ્રવીણભાઈ ડામોરે મોટરસાયકલને ટક્કર મારી ભાગનાર કોણ?તેની તપાસ કરવા આ ડાલાનો પીછો કરતા પાટડીયા ગામે આવતા મારામારીનો ભોગ બનેલા પ્રવીણભાઈ ડામોર મોતને ભેટ્યા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે.આ લખાય છે ત્યારે આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. તેમજ પોલીસ દ્વારા આ હત્યામાં સંડોવાયેલા આરોપીઓની સામે ગુનો દાખલ કરવાના ચક્રો ગતિમાન કરેલ હોવાનું જાણવા મળે છે.