ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા
દેવગઢ બારીયા તાલુકાના ચેનપુર ગામે સરકારી જમીનમાં દવાખાનાના ખાત મુહર્ત ટાણે એક મહિલા સહિત પાંચનો સરપંચ પર કર્યો હુમલો
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ચેનપુર ગામે સરકારી જમીનમાં દવાખાનું બનાવવા બાબતે એક મહિલા સહિત ચાર ઈસમો એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી ગામના સરપંચ સહિત બે વ્યક્તિઓ ઉપર પથ્થર મારો કરી ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.
ગત તા.૦૨ સપ્ટેમ્બરના રોજ ચેનપુર ગામે નવા ફળિયામાં રહેતાં ગામના સરપંચ શનાભાઈ વિરસીંગભાઈ પટેલ તથા તેમની સાથે અન્ય કેટલાંક વ્યક્તિઓ ગામમાં આવેલ છાત્રાલય ફળિયા મુકામે સરકારી દવાખાનું મંજુર થયેલ હોઈ સરકારી જમીનમાં સરકારી દવાખાનાનું ખાત મુહુર્ત કરવા સારૂં માપણી કરતાં હતાં. આ દરમ્યાન ગામમાં રહેતાં જશીબેન લાલાભાઈ વણકર, બાબુભાઈ લાલાભાઈ વણકર, લાલાભાઈ દાનાભાઈ વણકર અને મહેશભાઈ લાલાભાઈ વણકરનાઓ ત્યાં આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેલા લાગેલ કે, અહીંયા દવાખાનું નથી બનાવવાનું, તું મોટો સરપંચ થઈ ગયેલ છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ હાથમાં લાવેલ પથ્થરો છુટ્ટા સરપંચ શનાભાઈ અને તેમની સાથેના માણસો ઉપર મારતાં સરપંચ સહિત બે વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત શનાભાઈ વિરસીંગભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.