દાહોદની શાળાઓમાં વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે મતદાન 

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદની શાળાઓમાં વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે મતદાન 

 

વિદ્યાર્થીઓ જ બની રહ્યાં છે પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીગ ઓફિસર, મતદાર

વિદ્યાર્થીઓ લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાની સમજ મળે તે માટે શાળાઓમાં યોજાઇ રહ્યો છે મતદાન જાગૃકતા કાર્યક્રમ

 

 

દાહોદ જિલ્લાની શાળાઓમાં ચૂંટણીઓ યોજાઇ રહી છે !!! આ ચૂંટણીઓ વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીઓ નથી. આ ચુંટણીઓ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ગના મોનીટર ચૂંટવાની છે. પરંતુ આ બહાને વિદ્યાર્થીઓ લોકશાહીમાં ચૂંટણીની પ્રક્રિયા અને મહત્વ વિશે સમજે એ માટે સ્વીપ એક્ટિવિટિઝ તંત્ર દ્વારા એક ઝુંબેશ સ્વરૂપે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં હાથ ધરાઇ છે. જિલ્લામાં મોટા ભાગની શાળાઓમાં આ રીતની ચૂંટણીઓ યોજીને ભારતના ભાવિ મતદારોને લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ કરાઇ રહ્યાં છે.

 જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ પણ આ ચૂંટણી પ્રક્રિયામાં હોંશે હોશે ભાગ લઇ રહ્યાં છે. જેમાં વિદ્યાર્થીઓ જ પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીગ ઓફિસર બની રહ્યાં છે અને વિદ્યાર્થીઓ જ મતદાર બનીને મતદાન કરી રહ્યાં છે. શાળામાં ઉભી કરવામાં આવેલી મતદાન કુટિરમાં વિદ્યાર્થીઓ કતારબદ્ધ ઉભા રહીને મતદાન આપે છે. સમગ્ર પ્રક્રિયા અસલમાં કરવામાં આવતા મતદાનની જેમ જ અનુસરવામાં આવે છે અને એ મુજબની તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે. 

 જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલબેન દવેએ જણાવ્યું કે, જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે આ ચૂંટણીઓનું આયોજન કરાયું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં મતદાન બાબતની જાગૃતિ અત્યારથી જ આવે એ માટે વકૃત્વ સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધા, વાંચન સ્પર્ધા, લોકસભા વિધાનસભાની ડિબેટ વગેરે એક્ટિવિટી યોજીને વિદ્યાર્થીઓને લોકોશાહીનું મહત્વ, લોકશાહીમાં મતદારની ભૂમિકા અંગે સભાનતા કેળવાય એ માટે સ્વીપ-સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજન કરાયું છે.

 

Share This Article