દાહોદ ગ્રામ્ય વિકાસ એજન્સીમાં 79.86 લાખની ઉચાપત: એક મહિલા સહિત પાંચ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો
NRETP અંતર્ગત જમા થયેલી ગ્રાન્ટની યોજનાબદ્વ રીતે ઉચાપત
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે ચાલતી યોજનાઓમાં મસમોટુ કૌંભાંડ સામે આવ્યું છે જેમાં નેશનલ રૂરલ ઈકોનોમીક ટ્રાન્સફોરમેશન પ્રોજેક્ટ અંતર્ગત કચેરીમાં ફરજ બજાવતાં કરાર આધારિત તથા આઉટ સોર્સથી ફરજ બજાવતાં મહિલા સહિત પાંચ કર્મચારીઓએ રૂા. ૭૯ લાખ ઉપરાંતની ઉચાપત કરી કૌંભાંડ આચરતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે કચેરીના વિભાગીય હિસાબનીશ કર્મચારી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કરાર આધારિત તથા આઉટ સોર્સથી ફરજ બજાવતાં અંજનાબેન મેઘજીભાઈ મછાર (રહે. ઠુંઠી કંકાસીયા, તા. ઝાલોદ, જિ.દાહોદ), ચંન્દ્રિકાબેન ચંદુભાઈ મેડા (રહે. છાપરી, તા. જિ.દાહોદ), લીલાબેન સચીનભાઈ નિનામા (રહે. છાપરી, તા.જિ.દાહોદ) , મેઘાબેન કે. નલવાયા (રહે. નળવાઈ, તા. ગરબાડા, જિ.દાહોદ) અને રાજેશભાઈ સોમસિંહ મોહનીયા (રહે. ગલાલીયાવાડ, તા. જિ.દાહોદ) નાઓએ એકબીજાના મેળાપીપળામાં આગોતરૂં કાવતરૂં રચી ભારત સરકાર દ્વારા ચાલતી દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં નેશનલ રૂરલ ઈકોનોમીક ટ્રાન્સફોરમેશન પ્રોજેક્ટ યોજના અંતર્ગત સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ૭૯,૬૮,૧૦૮ની ઉચાપત કરી યોજનામાં નિર્દિષ્ઠ કરાયેલ આદેશોનું પાલન કરી કરી અને નાણાંનો ખોટી રીતે ઉપયોગ કર્યાેં હતો અને સરકાર સાથે છેતરપીંડી અને વિશ્વાસ ઘાત કરતાં આ સંબંધે દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં વિભાગીય હિસાબનીશ તરીકે ફરજ બજાવતાં હેમલરાજ લલીતકુમાર બારભાયા દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
ઉપરોક્ત કૌભાંડમાં એક મહિલા સહિત પાંચ કર્મચારીઓ સામેલ
ઉપરોક્ત કૌંભાંડને અંજામ આપનાર મહિલા સહિત પાંચ કર્મચારીઓએ પરસ્પર એકબીજાને મદદરૂપ થયાં હતાં અને આ યોજનાના કુલ રૂા. ૬૯,૬૬૧૦૮નો ઉપાડ કરી જિલ્લા તથા તાલુકા કક્ષાએથી કોઈપણ પ્રકારની પુર્વ મંજુરી મેળવ્યાં વગર હેતુફેર કરી ઉપયોગ કરેલ હતાં અને નાણાંનો કોઈપણ પ્રકારનો હિસાબ તથા રેકર્ડ રજીસ્ટર નિભાવ્યાં વગર આ કોંભાંડને અંજામ આપ્યો હતો.
સમગ્ર કૌભાંડમાં સામેલ અન્ય ગોડફાધર ની પણ સંડોવણી હોવાની આશઁકા…
યોજના અંતર્ગત ઉપાડ કરેલ રૂા. ૬૯,૬૬,૧૦૮ પૈકી રૂા. ૩૨,૪૩,૯૪૯ હાલ સુધી રિકવર કરવાના બાકી છે. ત્યારે રકમ બાબતે કરેલ ખર્ચનો હાલ સુધી હિસાબ રજુ કરવામાં પણ આવેલ નથી. આ સાથે ફરિયાદ આપનાર કર્મચારી દ્વારા આ કૌંભાંડના જરૂરી પુરાવાઓ પણ રજુ કરવામાં આવ્યાં છે. આ સમગ્ર કૌંભાંડ ૧૬.૦૪.૨૦૨૦ થી તારીખ ૩૧.૦૩.૨૦૨૧ સુધીના સમયગાળા દરમ્યાન આચરવામાં આવ્યું હતું. આ કૌંભાંડમાં હજુ કયાં કયાં કર્મચારીઓ સામેલ હશે? અને કોના ઈશારે આ કૌંભાંડને અંજામ આપવામાં આવ્યો હશે? જેવા અનેક સવાલો પણ કચેરીના અંદરો અંદર અને પ્રજાનનોમાં ઉઠવા પામ્યાં છે ત્યારે આટલી મોટી રકમનો કૌંંભાંડમાં કોઈ માથાની સંડોવણી તો નહીં હોય? તે પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે આ કૌંભાંડમાં અન્ય ઈસમો પણ સામેલ છે કે નહીં? તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને આ કૌંભાંડમાં અન્ય ઈસમોની પણ સંડોવણી હોવાની ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે.
————————
