ગરબાડામાં માનવતા શર્મસાર,નારીયલની ટ્રક પલટી ખાતા ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની જગ્યાએ નારીયલની લૂંટફાટમાં મશગુલ લોકો!

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી:ગરબાડા

ગરબાડામાં માનવતા શર્મસાર,નારીયલની ટ્રક પલટી ખાતા ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની જગ્યાએ નારીયલની લૂંટફાટમાં મશગુલ લોકો!

ગરબાડાના ‘મોતના પૂલ’ પર નારિયળની રેલમછેલ: ટ્રક પલટી ખાતા જ લોકોમાં મચી લૂંટફાટ!

ગરબાડા તા.10

 

ગરબાડા તાલુકાના કુખ્યાત બનેલા પાટીયાઝોલ પૂલ પર આજે ફરી એકવાર ભયાનક અકસ્માત સર્જાયો છે. મધ્યપ્રદેશથી ગુજરાતમાં લીલા નારિયળ ભરીને આવી રહેલી એક લોડિંગ ટ્રક પલટી મારી જતાં હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એકતરફ ઈજાગ્રસ્તો કણસતા હતા, તો બીજી તરફ માનવતા નેવે મૂકી લોકોમાં નારિયળ લૂંટવાની હોડ જામી હતી.

 

 

સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત*
મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશ તરફથી લીલા નારિયળનો જથ્થો ભરીને એક ટ્રક ગુજરાતમાં પ્રવેશ કરી રહી હતી. ગરબાડાના પાટીયાઝોલ પૂલ પરથી પસાર થતી વખતે ડ્રાઈવરે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક રોડ પર જ ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનર બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટના બની ત્યારે રસ્તા પરથી પસાર થતા લોકો અને આસપાસના ગ્રામજનો વેરાયેલા લીલા નારિયળ લૂંટવામાં મશગૂલ બન્યા હતા. લોકોના ટોળેટોળાં નારિયળ ઉપાડીને ભાગતા જોવા મળ્યા હતા, જેના કારણે થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે, ઈજાગ્રસ્તો હોસ્પિટલ ભેગા*
અકસ્માતની જાણ થતા જ ગરબાડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લાઠી વીંઝીને નારિયળ લૂંટતા લોકોને ભગાડ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત ડ્રાઈવર અને કંડક્ટરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Share This Article