બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના હડમતમાં બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં 24 વર્ષીય યુવાનનુ મોત:એક ઘાયલ*
*હડમત નો ઘાયલ યુવાન ઝાલોદ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે*
સુખસર,તા.6
સુખસર તાલુકામાં વાહન ચાલકોની બેદરકારી થી વાહન અકસ્માતો વધતા જાય છે.જેમાં કેટલાક નિર્દોષ લોકો કાળનો કોળિયો બની રહ્યા છે.જ્યારે કેટલાક લોકો શારીરિક ઈજાઓના શિકાર બની રહ્યા છે.તેવોજ બનાવ સુખસર તાલુકાના હડમત ગામે ગતરોજ બે મોટર સાયકલો વચ્ચે અકસ્માત સર્જાતા એક 24 વર્ષીય યુવાનનું મોત નીપજવા પામેલ છે.જ્યારે સામેની મોટરસાયકલ ચાલકને મોઢા ઉપર તથા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા હાલ ઝાલોદ ખાનગી દવાખાનામાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુખસર તાલુકાના હડમત ગામના દિવાપરી ફળિયામાં રહેતા દિનેશભાઈ માલજીભાઈ ડામોર ગતરોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના કબજાની ટી.વી.એસ કંપનીની કાળા કલરની અપાચી મોટરસાયકલ નંબર જીજે- 20.બીપી- 0140 ની લઈ ને સુખસર બજારમાં કામ અર્થે જાઉં છું તેમ કહી ઘરેથી નીકળેલ.ત્યારબાદ થોડા સમય પછી ઘરથી થોડી દૂર રોડ ઉપર દિનેશભાઈ ની મોટરસાયકલને અકસ્માત નડેલ હોવાની ઘરના સભ્યોને જાણ થતા ઘરના સભ્યો સ્થળ ઉપર દોડી ગયા હતા.અને ત્યાં જઈ જોતા બનાવના સ્થળ ઉપર દિનેશભાઈને માથાના ભાગે તથા શરીરે ઇજા થયેલ રોડ ઉપર પડેલો હતો.જ્યારે તેના કબજાની મોટરસાયકલ પડેલી જોવા મળેલ. જ્યારે બીજી એક આગળ પાછળ નંબર વગરની હીરો કંપનીની સ્પેલેન્ડર કાળા કલરની મોટરસાયકલ પડેલી હોવાનું જોવા મળેલ.જ્યારે દિનેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ આવી ગયેલ.અને તાત્કાલિક ઝાલોદ સરકારી દવાખાનામાં લઈ જવામાં આવેલ. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલમા રીફર કરાતા સારવાર ચાલુ કરેલ.પરંતુ ગંભીર ઇજાઓના કારણે રાત્રિના અઢી વાગ્યાના અરસામાં ફરજ ઉપરના તબીબ દ્વારા દિનેશભાઈનું મોતની હોવાનું જાહેર કરેલ.
ઉપરોક્ત બાબતે મૃતક દિનેશભાઈના પિતા માલજીભાઈ ડામોરે ફરિયાદ આપતા સુખસર પોલીસે અકસ્માત અન્વયે ગુનો દાખલ કરી લાશનું દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
