રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ જિલ્લામાં તમામ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે પેટ્રોલ ડીઝલ LPG, PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) ખાદ્ય અનાજ અને ખાતરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ*
દાહોદ તા. ૨૮
દાહોદ જિલ્લાની જાહેર જનતાને અખબારી યાદી દ્વારા જણાવવામાં આવે છે કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા જિલ્લામાં તમામ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે પેટ્રોલ ડીઝલ LPG, PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) ખાદ્ય અનાજ અને ખાતરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ ચીજવસ્તુઓની સપ્લાય ચેઇન અને ઉપલબ્ધતાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી જનતાને કોઈ મુશ્કેલી ન પડે.
વધુમાં નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે, સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાવવામાં આવતી ખોટી અફવાઓ કે ભ્રામક માહિતી (ફેક ન્યૂઝ) પર વિશ્વાસ કરવો નહીં. કોઈપણ પ્રકારની બિનજરૂરી ભીડ કરવી નહીં કે ‘Panic buying’ (ગભરાટમાં આવીને ખરીદી) કરવી નહીં. તમામ આવશ્યક ચીજવસ્તુઓનો પોતાની જરૂરિયાત મુજબ વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે, જો કોઈ વેપારી કે એકમ દ્વારા ચીજવસ્તુઓની સંગ્રહખોરી, કાળાબજારી કરવામાં આવશે અથવા નિયત ભાવ કરતા વધુ કિંમત વસૂલવામાં આવશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ બાબતે કોઈ પણ ફરિયાદ અથવા માહિતી માટે જિલ્લા કક્ષાએ કાર્યરત કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકાશે. કંટ્રોલ રૂમ સંપર્ક નંબર: ૦૨૬૭૩ ૨૩૯૨૭૭, ૦૨૬૭૩ ૨૩૯૦૮૦ એમ જિલ્લા વહીવટીતંત્ર, દાહોદ દ્વારા જણાવાયું છે.
000
