દાહોદમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ઉડાવી દેવાની અફવા,પોલીસની સઘન તપાસ બાદ હાશકારો અફવા પગલે બે કલાક સુધી દોડધામ; DYSP-PI સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક પહોંચ્યો, કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા કાર્ય ફરી શરૂ

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ઉડાવી દેવાની અફવા,પોલીસની સઘન તપાસ બાદ હાશકારો

અફવા પગલે બે કલાક સુધી દોડધામ; DYSP-PI સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક પહોંચ્યો, કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા કાર્ય ફરી શરૂ

દાહોદ તા.27

દાહોદ શહેરમાં આજે એક અફવાએ ભારે ચકચાર મચાવી હતી. પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ઉડાવી દેવાની ધમકી મળ્યાની અફવા ફેલાતા તંત્ર સક્રિય બન્યું હતું. જોકે પોલીસની સઘન તપાસ બાદ આ અફવા ખોટી સાબિત થઈ છે.

 શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકીની અફવા ફેલાતા તાત્કાલિક અસરથી બંને કચેરીઓ ખાલી કરાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ડીવાયએસપી, પી.આઇ., એસઓજી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.પોલીસ દ્વારા ઓફિસ પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી હતી. લગભગ બે કલાક સુધી ચાલેલી તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ, ઈમેલ કે ધમકીનો પુરાવો ન મળતા અંતે હાશકારો અનુભવાયો હતો.

આ અફવા પગલે શહેરમાં ભારે દોડધામ જોવા મળી હતી અને વિવિધ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે બંને કચેરીઓને ફરી રાબેતા મુજબ કાર્યરત કરવાની મંજૂરી આપી હતી. પોલીસ તંત્રએ શહેરીજનોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરે અને કોઈ શંકાસ્પદ માહિતી મળે તો તરત પોલીસને જાણ કરે તેવી અપીલ કરવામાં આવી છે. જોકે આ સમગ્ર ઘટનાક્રમ આશરે બે કલાક સુધી ચાલ્યો હતો. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે અને કોઈ પ્રકારનો ખતરો ન હોવાનું પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે.

Share This Article