રાજેશ વસાવે :- દાહોદ
પવન સાથે ખાબકેલા માવઠાએ ખેડૂતોની મહેનત ધૂળધાણી કરી નાખી : ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ : મકાઈ-ચણાના તૈયાર પાક પર સંકટ
દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાના આગમન સાથે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો હતો, ત્યારે જ આજે વહેલી સવારથી અચાનક વાતાવરણ પલટાયું છે. દાહોદ શહેર સહિત લીમડી, લીમખેડા, ઝાલોદ, સિંગવડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળોની ફોજ ઉતરી આવી હતી અને તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સતત બીજા દિવસે પડેલા આ માવઠાને કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત આર્થિક પાયમાલીના ડરથી ફફડી રહ્યો છે. નોંધનીય છે કે, ચાલુ વર્ષે ચોમાસાની ઋતુના અંતિમ તબક્કે થયેલા ભારે વરસાદને કારણે જિલ્લાના ખેડૂતોનો તૈયાર થયેલો ડાંગરનો પાક ખેતરોમાં જ સડી ગયો હતો. ખેડૂતોએ એ મોટું નુકસાન વેઠીને દેવું કરીને પણ માંડ માંડ શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું. હવે જ્યારે ખેતરોમાં ઘઉં, ચણા અને મકાઈનો પાક લણણીની અણી પર છે, ત્યારે જ કુદરતે ફરી કહેર વર્તાવ્યો છે. ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ વચ્ચે ગ્રામ્ય પંથકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ આકાશમાં ગાજવીજ અને ફૂંકાતા ભારે પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. પવનનું જોર વધારે હોવાના કારણે ખેતરોમાં તૈયાર થયેલો મકાઈ અને ઘઉંનો ઊભો પાક જમીન પર ઢળી પડે તેવી શક્યતાઓના કારણે પાક જમીનદોસ્ત થઈ જાય તો અનાજનો દાણો કાળો પડી જવાની અને તેમાં ફૂગ લાગવાની પૂરેપૂરી શક્યતા છે. ખેડૂતોની મહિનાઓની મહેનત અને મોંઘા ભાવના બિયારણ-ખાતરનો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં ખાસ કરીને ઝાલોદ અને સિંગવડ પંથકમાં ચણાનું વાવેતર કરતા ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

ચણાનો પાક અત્યારે લણણી માટે તૈયાર છે, ત્યારે જ કમોસમી વરસાદ ખાબકતા છોડ પર બેઠેલા ચણામાં ભેજ લાગવાથી તે બગડી શકે તેમ છે. જો પાકમાં ભેજ ઉતરી જશે તો બજારમાં તેને યોગ્ય ભાવ પણ નહીં મળે, જેને લીધે ખેડૂતોને બેવડો આર્થિક ફટકો પડવો નક્કી છે.
