ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા આયોજિત સંપૂર્ણ ફ્રી પોલીસ કોન્સ્ટેબલ બેચ – દાહોદના ૪૫૦થી વધુ યુવાઓને ઉજ્જવળ ભવિષ્યની દિશામાં માર્ગદર્શન 

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા આયોજિત સંપૂર્ણ ફ્રી પોલીસ કોન્સ્ટેબલ બેચ – દાહોદના ૪૫૦થી વધુ યુવાઓને ઉજ્જવળ ભવિષ્યની દિશામાં માર્ગદર્શન 

દાહોદ તા. ૧૨

દાહોદ જિલ્લાના યુવાનોને સરકારી નોકરી માટે સશક્ત બનાવવા માટે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા આયોજિત સંપૂર્ણ ફ્રી પોલીસ કોન્સ્ટેબલ તૈયારી બેચ હાલ ખૂબ જ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આ બેચ અંતર્ગત અત્યાર સુધીમાં ૧૦૦ કલાકથી વધુના ગુણવત્તાપૂર્ણ લેક્ચર આપવામાં આવ્યા છે, જેમાં દાહોદ વિસ્તારના અંદાજિત ૪૫૦ જેટલા વિધાર્થીઓ લાભ લઈ રહ્યા છે.

આ તાલીમ બેચમાં વિષય નિષ્ણાત અને અનુભવી માર્ગદર્શકો દ્વારા લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, જનરલ નોલેજ, કરંટ અફેર્સ સહિત પરીક્ષા માટે જરૂરી તમામ મુદ્દાઓ પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આ બેચ સંપૂર્ણપણે નિ:શુલ્ક રાખવામાં આવ્યો હોવાથી આર્થિક રીતે નબળા અને ગ્રામ્ય વિસ્તારના યુવાનો માટે આ પહેલ આશીર્વાદરૂપ બની રહી છે.

આજરોજ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ જાતે હાજરી આપી બેચમાં ચાલી રહેલા લેક્ચરના ટોપિકનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિધાર્થીઓ સાથે સીધી વાતચીત કરી તેમની તૈયારી અંગે માહિતી મેળવી અને અભ્યાસની ગુણવત્તા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ અવસરે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ વિધાર્થીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું કે,

“સખત મહેનત, યોગ્ય માર્ગદર્શન અને આત્મવિશ્વાસથી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. દાહોદ જિલ્લાના યુવાનોમાં પ્રતિભાની કોઈ કમી નથી, માત્ર તેમને સાચી દિશા અને તક મળવી જરૂરી છે.”

વિધાર્થીઓએ પણ ધારાસભ્ય કનૈયાલ કિશોરી દ્વારા મળતી નિ:શુલ્ક તાલીમ અને પ્રેરણાદાયી માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારની પહેલથી પોતાના સપનાઓ સાકાર થવાની આશા તેમણે વ્યક્ત કરી હતી.

ધારાસભ્ય કનૈયાલ કિશોરી દ્વારા શરૂ કરાયેલ આ પોલીસ કોન્સ્ટેબલ બેચ દાહોદ જિલ્લાના યુવાનો માટે સરકારી નોકરી તરફનું મજબૂત પગથિયું બની રહ્યો છે અને આવનારા સમયમાં વધુ યુવાનોને સફળતા અપાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Share This Article