શિવભક્તિ અને સંસ્કૃતિનું સંગમ બનશે ચોસાલા: lશ્રી કેદારનાથ મહાદેવ શિવ મહોત્સવની તૈયારીઓ અંતિમ ચરણમાં.!

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

શિવભક્તિ અને સંસ્કૃતિનું સંગમ બનશે ચોસાલા: lશ્રી કેદારનાથ મહાદેવ શિવ મહોત્સવની તૈયારીઓ અંતિમ ચરણમાં.!

દાહોદ તા. ૧૦

દાહોદ જિલ્લાના ચોસાલા ગામમાં આવેલ પવિત્ર શ્રી કેદારનાથ મહાદેવ મંદિર ખાતે આયોજિત થનાર ભવ્ય શિવ મહોત્સવ અને લોકડાયરોને લઈને તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આ મહોત્સવના આયોજનના ઉપલક્ષમાં દાહોદ તાલુકાના સંતો અને મહંતોની પાવન હાજરીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ બી. કિશોરી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન આવનારા 14 ફેબ્રુઆરી 2025, શનિવારના રોજ યોજાનાર શિવ મહોત્સવની સમગ્ર રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. લોકડાયરો, સંતવાણી, શિવ ભજન, શિવ તાંડવ નૃત્ય નાટિકા તથા દીપોત્સવ જેવા વિવિધ કાર્યક્રમોને ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે યોજવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંત-મહંતોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું તથા આયોજકોને આશીર્વાદ પાઠવ્યા હતા.

ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ સંતો સાથે સંવાદ સાઘી જણાવ્યું હતું કે આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર, એકતા અને આધ્યાત્મિક ચેતનાને મજબૂત બનાવે છે. તેમણે મહોત્સવમાં આવનાર શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા, સુરક્ષા અને સુવિધાઓ અંગે પણ જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી.

આ બેઠક દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિ, શાંતિ અને સંસ્કૃતિના રંગે રંગાયું હતું. શિવ મહોત્સવ દરમિયાન હજારો દીવડાઓથી મંદિર પરિસરમાં યોજાનાર દીપમાલા, મહાપ્રસાદી ભંડારો તથા ખ્યાતનામ કલાકારોની રજૂઆતથી ચોસાલા ગામ ધાર્મિક ઉર્જાનું કેન્દ્ર બનશે તેમ માનવામાં આવી રહ્યું છે.

આ ભવ્ય શિવ મહોત્સવમાં સમગ્ર દાહોદ જિલ્લાભરના શ્રદ્ધાળુઓને પરિવાર સાથે પધારવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

Share This Article