દક્ષેશ ચૌહાણ ઝાલોદ
ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે ઝાલોદમાં શૈક્ષણિક વિકાસનો નવો અધ્યાય શરૂ
૨ કરોડ ૨૧ લાખના ખર્ચે શાળાના નવા ઓરડાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, શિક્ષણ તથા કન્યા કેળવણીને નવી ગતિ
ઝાલોદ તા. ૧૯
ઝાલોદ ૧૩૦ વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભૂરીયાના કરકમળે ઝાલોદ તાલુકાની વિવિધ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં અંદાજે રૂપિયા ૨ કરોડ ૨૧ લાખના ખર્ચે નિર્માણ પામેલા નવા શાળા ખંડોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો ભવ્ય અને ઉત્સાહભેર યોજાયા હતા. આ પ્રસંગે રાજ્ય સરકારની શિક્ષણક્ષેત્રે આધુનિક સુવિધાઓ વધારવાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ રીતે દેખાઈ આવી હતી.
ઝાલોદ તાલુકાની કુમાર શાળા ખાતે રૂપિયા ૧૧૭ લાખના ખર્ચે નિર્માણ થયેલા ૧૦ નવા વર્ગખંડોનું લોકાર્પણ ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત દેવજીની સરસવાણી પ્રાથમિક શાળામાં ૩ નવા ઓરડાઓ માટે રૂપિયા ૩૯ લાખના ખર્ચે ભૂમિપૂજન તથા મોટા ફળીયા કદવાળની પ્રાથમિક શાળામાં ૫ નવા ઓરડાઓ માટે રૂપિયા ૬૫ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ કુલ મળીને ઝાલોદ તાલુકામાં રૂપિયા ૨ કરોડ ૨૧ લાખના શૈક્ષણિક વિકાસકામોનો આરંભ કરવામાં આવ્યો હતો.
દરેક શાળામાં ધારાસભ્ય મહેશ ભૂરીયાએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યા હતા. આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ ઢોલ-નગારા, પાઘડી, આદિવાસી બંડી, શાલ અને ફૂલહારથી ધારાસભ્યનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કુમાર શાળા ખાતે સંબોધન કરતાં ધારાસભ્ય મહેશ ભૂરીયાએ જણાવ્યું હતું કે,
“ઝાલોદ વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ મળે તે અમારી પ્રથમ પ્રાથમિકતા છે. બોની બેન કન્યા શાળામાં ધોરણ ૧ થી ૧૦ કાર્યરત છે. સ્થાનિક રજૂઆતોને ધ્યાનમાં રાખી ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ શરૂ કરવા જરૂરી મંજૂરી અપાવવામાં આવશે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કમ્પ્યુટર લેબ, મલ્ટીપરપઝ હોલ અને ઓફિસ સહિતની આધુનિક સુવિધાઓ સાથેના હોલ માટે રૂ. ૧ કરોડની મર્યાદામાં દરખાસ્ત તૈયાર કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
શિક્ષકોને સંબોધતા ધારાસભ્યએ કહ્યું હતું કે,
“શિક્ષકો સમાજના ઘડવૈયા છે. તેમની નિષ્ઠા અને મહેનતથી જ બાળકોના અભ્યાસમાં ગુણવત્તા આવે છે. શિક્ષણ સાથે સંસ્કાર અને શિસ્તનું સિંચન પણ એટલું જ મહત્વપૂર્ણ છે.”
કન્યા કેળવણી પર ખાસ ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કે,
“દીકરી શિક્ષિત થશે તો પરિવાર, સમાજ અને રાષ્ટ્ર મજબૂત બનશે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું એ સામાજિક ફરજ છે.”
આ પ્રસંગે ૧૦૦ વર્ષ પૂર્ણ કરનાર ત્રણ સેવા સહકારી મંડળીઓને સહકાર ભારતી સ્થાપના દિવસ (૧૧ જાન્યુઆરી) તથા સંઘ વિચાર યાત્રાની શતાબ્દી નિમિત્તે ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં
• ધી પેથાપુર સેવા સહકારી મંડળી
• ધી કાળીગામ અર્ધક્ષમ સેવા સહકારી મંડળી
• ધી લીમડી અર્ધક્ષમ સેવા સહકારી મંડળી લી.
નો સમાવેશ થતો હતો.
કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસકામોથી ઝાલોદ તાલુકામાં શિક્ષણક્ષેત્રે વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાની નવી તક મળશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
