દાહોદમાં પાણીપુરી-નાસ્તાની લારીઓ પર પાલિકાનું સરપ્રાઇઝ ચેકિંગ,11 નમૂનાઓ લેબમાં મોકલાયા.!

Editor Dahod Live
6 Min Read

દાહોદમાં પાણીપુરી-નાસ્તાની લારીઓ પર પાલિકાનું સરપ્રાઇઝ ચેકિંગ, 11 નમૂનાઓ લેબમાં મોકલાયા

RO વોટર વેપારીઓની પણ તપાસ, ગંદકી ફેલાવનાર હોટલો સીલ બાદ એફિડેવિટ લઈને પુનઃ શરૂ કરવાની મંજૂરી

જાહેર આરોગ્ય સાથે ચેડા કરનારને સહન નહીં કરાય – આરોગ્ય અધિકારી પિંકલ નગરાળવાળા

રાજેશ વસાવે:દાહોદ

દાહોદ તા.૦૭

દાહોદ શહેરમાં દાહોદ નગરપાલિકા દ્વારા પાણીપુરી તેમજ નાસ્તાની લારીઓ તેમજ દુકાનોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં પાણીપુરીની લારીઓના વેપારીઓ પાસેથી પાણીપુરીના પાણીના નમુનાઓ લઈ પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યાં છે તેની સાથે સાથે દાહોદ શહેરમાં કાર્યરત આર.ઓ. વોટરનો વેપાર કરતાં વેપારીઓના ત્યાં પણ

 

તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં થોડા દિવસો પહેલા પાલિકા તંત્ર દ્વારા દાહોદ શહેરમાં ગંદકી ફેલાવનાર હોટલોને સીલ કરવામાં આવી હતી તે હોટલોના માલિકો પાસેથી એફીડેવીટ મારફતે બાંહેધરી લઈ તેઓની હોટલો પુનઃ શરૂ કરવાની મંજુરી પણ આપવામાં આવી છે.

 

દાહોદ નગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજરોજ દાહોદ શહેરમાં પાણીપુરી તેમજ નાસ્તાની લારીઓ પર ચેકીંગ હાથ થયું હતું જેમાં પાણીપુરીની લારીઓના પાણીની તપાસ કરવામાં આવી હતી. દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણીપુરીની દુકાન ચલાવનાર ૧૧ જેટલા વેપારીઓના પાણીપુરીના પાણીના નમુનાઓ લઈ પૃથ્થકરણ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત દાહોદ શહેરમાં આર.ઓ. વોટરનો ધંધો કરતાં વેપારીઓના ત્યાં પણ પાલિકા તંત્રની આરોગ્ય ટીમ દ્વારા ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં પણ તપાસ કરી પાણીના નમુનાઓ લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી તરફ દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી લોકોની ફરિયાદો ઉઠવા પામી હતી જેમાં

મુખ્યત્વે દાહોદ શહેરમાં હોટલોના માલિકો દ્વારા અને લારી ગલ્લાવાળાઓ દ્વારા પોત પોતાની હોટલોનો એઢવાડ અને ગંદકી રસ્તા પર તેમજ ભુગર્ભ ગટરમાં નાંખવામાં આવતી હતી. આ ઉપરાંત ઘણા એવા હોટલના માલિકો દ્વારા જાહેરમાં વ્યંજનોનો વધાર કરી અને તેમાંય ખાસ કરીને નોનવેજની

 

 

હોટલો અને દુકાનદારો દ્વારા જાહેરમાં વ્યંજનનો વધાર કરતાં જાહેર રસ્તા પરથી પસાર થતાં લોકોને આંખોમાં બળતરા સહિતની ફરિયાદો દાહોદવાસીઓ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યાં હતાં. જાહેર જનતાની ફરિયાદોને ધ્યાનમાં રાખી 22 ડિસેમ્બરના રોજ દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદ શહેરમાં આવેલ હોટલો તેમજ નોનવેજની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ થયું હતું જેમાં 7 હોટલો તેમજ દુકાનદારો દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા અને તેઓના હોટલનો એઢવાડ ભુગર્ભ ગટરમાં ઢાલવતા હોવાથી જાહેર રસ્તા પર ગંદકી ફેલાતી હતી તેની સાથે સાથે ભુગર્ભ ગટર ચોકઅપ થઈ જવાની પરિસ્થિતી સર્જાઈ હતી. જેને પગલે દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે આવેલ ત્રણ હોટલો સહિત ઓવરબ્રીજની બાજુમાં આવેલ નોનવેજની દુકાનોને પણ સીલ

 

કરવામાં આવી હતી ત્યારે આજરોજ દાહોદ નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દાહોદ શહેરના ઓબરબ્રીજની બાજુમાં આવેલ નોનવેજની દુકાના જે સીલ કરવામાં આવી હતી તેના માલિકો દ્વારા પોતાના રોજગાર-ધંધા પર લાગેલ સીલ દુર કરી પુનઃ દુકાનો શરૂ કરવા માટે પાલિકાના આરોગ્ય વિભાગ પાસે પહોંચ્યાં હતાં જ્યાં પાલિકા તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા આ દુકાનદારો પાસે કાયદેસર એફીડેવીટ મારફતે બાંહેધરી લઈ હવેથી ગંદકી ન ફેલાવવા તેમજ જાહેરમાં વ્યંજનોનો વધાર ન કરવા માટે તથા ટ્રાફિક જામ ન થાય તે માટે લેખિત કાયદેસર બાહેધરી લઈ સીલ માર્યાના 14 દિવસ બાદ તેઓના રોજગાર-ધંધાઓ પુનઃ શરૂ કરવા માટેની મંજુરી આપવામાં આવી હતી.

જાહેરમાં ગંદકી અને લોકોના આરોગ્ય સાથે ચેંડા કરનારને સાંખી નહી લેવાય (પિંકલ નગરાળવાળા આરોગ્ય અધિકારી, દાહોદ નગરપાલિકા)

દાહોદ નગરમાં છેલ્લા ઘણા સમયથી જે કંઈ ફરિયાદો આવી હતી જેના ઉપલક્ષ્યમાં શહેરના વિવિધ વિસ્તારોના રોજગાર-ધંધાને સીલ કરવામાં આવ્યાં હતાં જેમાં વેપારીઓ પાસેથી સ્વચ્છતાની, લોકોના આરોગ્યની, આરોગ્ય સાથે ચેડા ન થાય તે વિષય પર વેપારીઓ સાથે પરામર્શ, ચર્ચા કરી તેઓની બાંહેધરી લઈ કાર્યવાહી કરેલ છે. તેની સાથે સાથે દાહોદ શહેરના તમામ વેપારીઓને સુચના અને વિનંતી પણ છે કે, દાહોદવાસીઓના આરોગ્ય સાથે કંઈપણ ચલાવી લેવામાં નહીં આવે માટે દાહોદ શહેરના વેપારીઓ સ્વચ્છતા અને લોકોના આરોગ્યનું ધ્યાન રાખી વેપાર-ધંધો કરે તે અતિઆવશ્યક છે.

સ્વછતા અને લોકોને પડતી મુશ્કેલી અંગે પાલિકા ગંભીર, બેદરકારી દાખવનાર સામે લોકહિતમાં કાર્યવાહી થશે.(લખનભાઈ રાજગોર, કાઉન્સીલર)

 

દાહોદ નગરપાલિકા દ્વારા જે હોટલ માલિક અને લારીઓવાળા જે રોડ પર ગંદકી કરતાં હતાં. પ્રજાને નુકસાન કરતાં હતાં. તે બાબતે દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવેલ હતી. તે દુકાનદારોના આજે એફીડેવીટ લઈ અને આ સીલ ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. સાથે સાથે હોટલનો ધંધો કરતા કે સ્માર્ટ સીટી હારા બનેલ ફુટપાઠ પર જે બ્લોક લગાવવામાં આવ્યાં છે તેની ઉપર જે કોઈ પંપો કરે છે તેઓને અપીલ કરવામાં આવે છે કે ફુટપાઠના બ્લોક ગંદા થરો અથવા નગરમાં આવતા જતા લોકોને નુકસાન થશે તે બાબતે લોકો દ્વારા જે કંઈ ફરિયાદો આપવામાં આવશે તો સાથે સાથે હોટલો તેમજ ખાણીપીણીના દુકાનદારો દ્વારા તેઓના વધાર તેમજ વરાળથી નીકળતા ધુમાડાથી કોઈપણ જાતનું નુકસાન થશે તેની કરિયાદ આવશે તો તેની લારી હટાવી લેવામાં આવશે અથવા હોટલ કે દુકાન હશે તો તેને સીલ કરવામાં આવશે. સાથે સાથે નગરપાલિકાની ભુગામ ગટરમાં જે હોટલો દ્વારા હોટલોનો એઢવાડ નાંખવામાં આવે છે જેના કારણે ભુગર્ભ ગટરો જામ થાય છે એ પણ કોઈ કાળે દાહોદ નગરપાલિકા દ્વારા સાંખી લેવામાં નહીં આવે. એવુ કરતાં જે કોઈપણ હોટલ, લારી અથવા તો દુકાનદારો અંગેની જાણકારી થશે તો અને કરિયાદો આવશે તો લારી ઉઠાવી લેવામાં આવશે અને દુકાનોને સીલ મારી દેવામાં આવશે. માટે નગરજનોને અપીલ છે કે વેપારીઓ ધ્યાન રાખી જાહેરજનતાને કોઈ અગવડતા ન પડે તેનું ધ્યાન રાખી વેપાર-ધંધો કરે તેવી અપીલ છે.

Share This Article