બાબુ સોલંકી:- સુખસર
*દેશને આઝાદી અપાવવાનું કામ ભગવાન બિરસા મુંડાએ કર્યું છે:સાંસદ જશવંતસિંહ ભાભોર*
*ભગવાન બિરસા મુંડાની યાત્રા દાહોદ જિલ્લામાં પ્રવેશતા સુખસર, લીમડી,ઝાલોદ,દાહોદમાં ઉમળકાભેર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું*
સુખસર,તા.10

ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી નિમિત્તે અંબાજીથી શરૂ થયેલ યાત્રા દાહોદ જિલ્લામાં પ્રવેશતા સુખસર,ઝાલોદ,લીમડી, દાહોદમાં યાત્રાનું ઠેર ઠેર ઢોલ નગારા વગાડી પુષ્પો વચ્ચે ફટાકડા ફોડી ઉમળકા ભેર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.યાત્રામાં ગુજરાત સરકારના અન્ન નાગરિક અને પુરવઠા મંત્રી પી.સી બરંડા, કૃષિમંત્રી રમેશભાઈ કટારા,દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર,ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરીયા,જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર,ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, શૈલેશભાઈ ભાભોર, કનૈયાલાલ કિશોરી,યાત્રાના રૂટ ઇન્ચાર્જ અભિષેક મહિડા,જયદીપભાઇ રાઠોડ,દાહોદ જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પોલીસવડા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.યાત્રાના સ્વાગત સાથે ભગવાન બિરસા મુંડાના રથનું સ્વાગત કરી સભા યોજવામાં આવી હતી.સભામાં અન્ન નાગરિક અને પુરવઠા મંત્રી પી.સી બરંડાએ ભગવાન બિરસા મુંડાનું જીવન ચરિત્ર રજુ કરી તેમના દ્વારા સમાજ માટે આપવામાં આવેલ બલિદાન અને સમાજ માટે કરવામાં આવેલ કાર્યો લોકોને જણાવી ભગવાન બિરસા મુંડાની યાત્રા આદિવાસી સમાજનું ગૌરવ છે તેથી ગર્વ લેવાની વાત હોવાનું જણાવી ગાથા રજુ કરી સરકારની કાર્ય સિદ્ધિઓ જણાવી હતી.આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે લોકોને સંબોધીને જણાવ્યું હતું કે દેશને આઝાદી અપાવવાનું કામ ભગવાન બિરસા મુંડા એ કર્યું છે.નાની ઉંમરમાં સમાજ માટે બલિદાન આપ્યું છે. ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજનું ગૌરવ છે.ભગવાન બિરસા મુંડા એ જળ,જંગલ અને જમીન આદિવાસીઓના અધિકારો અપાવવાનું કામ કર્યું હોવાનું જણાવી ગુજરાત સરકારની વિકાસલક્ષી યોજનાઓ સરકાર દ્વારા કરવામાં આવતા કામો દાહોદ જિલ્લામાં 11 વર્ષમાં પોતાના દ્વારા 46,000 કરોડના વિકાસ કાર્યો કરવામાં આવ્યા હોવાનું જણાવી ભાજપની પડખે રહી દેશના વડાપ્રધાન મોદી સાહેબના હાથ મજબૂત કરવા અનુરોધ કર્યો હતો.મંત્રી રમેશભાઈ કટારાએ પણ પોતાની આગવી ઓળખથી આદિવાસી ભાષામાં ભાષણ કરી સરકારની વિવિધ યોજનાઓ વર્ણવી ખેડૂતો માટે 10000 કરોડની સહાય ચૂકવવાની જાહેરાત કરી હોવાનું જણાવ્યું હતું.