રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ સ્માર્ટ સિટીમાં ત્રણ દિવસથી ઠપ્પ રહેલી ડોર ટુ ડોર સફાઈ સેવા ફરી શરૂ થશે.
જૂના સફાઈ કામદારોને દૂર કરવાના વિવાદ બાદ પાલિકાએ આઠ દિવસમાં ફરી ફરજ પર જોડવાનો લીધો નિર્ણય.
આવતીકાલથી શહેરમાં કચરા કલેક્શન ફરી શરૂ થનાર
દાહોદ તા.૦૪

દાહોદ સ્માર્ટ સીટીમાં છેલ્લા ત્રણ દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી ઠપ્પ હતી જેમાં સફાઈ કામદારોને અને પાલિકા વચ્ચેના વિવાદનો આજે અંત આવતાં આવતીકાલથી પુનઃ ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીર શરૂ થનાર છે ત્યારે જાણવા મળ્યાં અનુસાર, નવી એજન્સી દ્વારા પોતાના કામદારો લાવતાં દાહોદના જુના સફાઈ કામદારોને છુટા કરવામાં આવતાં આ વિવાદ વકર્યો હતો ત્યારે પાલિકા તંત્ર દ્વારા આઠ દિવસમાં પુનઃ જુના સફાઈ કામદારોને જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દાહોદ સ્માર્ટ સીટીમાં છેલ્લા ત્રણ દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી ઠપ્પ થતાં દાહોદ શહેરવાસીઓને અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સફાઈ એજન્સીના ટેન્ડરની સમયમર્યાદા પુર્ણ થતાં નવી એજન્સી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. આ નવી એજન્સી દ્વારા પોતાના કામદારો સફાઈ કામગારીમાં જોડતા દાહોદના જુના સફાઈ કામદારોને છુટા કરવામાં આવ્યાં હોવાના આક્ષેપો જુના સફાઈ કામદારો કરી રહ્યાં હતાં. આ આક્ષેપો વચ્ચે જુના સફાઈ કામદારો દ્વારા ભારે વિરોધ નોંધાંવ્યો હતો અને દાહોદ શહેરમાં સફાઈ કામગીરી કરતી ગાડીઓને રોકવામાં આવતી હતી ત્યારે જુના સફાઈ કામદારો અને પાલિકા વચ્ચેના આ વિવાદનો આજે અંત આવ્યો હતો જેમાં દાહોદ નગરપાલિકા કાઉન્સીલર લખનભાઈ રાજગોરના જણાવ્યાં અનુસાર, આઠ દિવસની અંદર આ સમસ્યાનું સમાધાન કરવામાં આવશે અને પુનઃ જુના સફાઈકામદારોને તેઓની ફરજ પર પુનઃ લાવવામાં આવશે. ત્યારે બીજી તરફ જુના સફાઈ કામદારોના જણાવ્યાં અનુસાર, જો આઠ દિવસમાં પોતાને ન્યાય નહીં મળે તો આવનાર દિવસોમાં ફરીવાર ગાડીઓ રોકવામાં આવશે તેમ જણાવાયું છે.