દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાનાં ડુંગરીમાં ‘ગુજરાત જોડો જનસભા’માં 6000 થી વધુ આગેવાનો-કાર્યકરો ‘આપ’માં જોડાયા; ચૈતર વસાવાના આકરા પ્રહારથી દાહોદ જીલ્લાનું રાજકારણ ગરમાયું
દાહોદ તા. ૨૬
દાહોદ જિલ્લાના રાજકારણમાં રવિવારે લાભ પાંચમના પવિત્ર દિવસે આમ આદમી પાર્ટી (AAP)ને મોટો જનાધાર મળ્યો હતો.ડુંગરી ખાતે આયોજિત ગુજરાત જોડો જનસભામાં ઝાલોદ વિધાનસભા મત વિસ્તાર અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાંથી 6000 થી વધુ આગેવાનો અને કાર્યકરોએ ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓનો સાથ છોડીને ‘આપ’નો ખેસ ધારણ કર્યો હતો.જેના પગલે દાહોદ જિલ્લાનાં રાજકારણમાં ભારે ભડકો જોવા મળ્યો હતો.
ધારાસભ્ય ચૈતર વસાવા (ડેડિયાપાડા)ની અધ્યક્ષતામાં યોજાયેલી આ જનસભામાં મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ અને સંગઠનના સભ્યો ‘આપ’માં જોડાયા હતા. જેમાં ઝાલોદ APMCના પૂર્વ વાઇસ ચેરમેન વિજય કોળી તેમના સમર્થકો સાથે ,ડુંગરી, થાળા સહિત અનેક ગામના વર્તમાન

અને પૂર્વ સરપંચો પોતાના કાર્યકર્તાઓની ટીમ સાથે અને દાહોદ જિલ્લા BTP (ભારતીય ટ્રાઇબલ પાર્ટી)ના પૂર્વ જિલ્લા પ્રમુખ અજય કટારા તેમની સમગ્ર ટીમ સાથે,જિલ્લા અને તાલુકા પંચાયતની સીટ પર જીતેલા અને હારેલા સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

ખાસ કરીને ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જનસભાને સંબોધતા ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ મોટી ઇમારતો, જેમ કે વિધાનસભા, સચિવાલય હોય કે હાઇકોર્ટ, આ તમામના વિકાસના પાયામાં દાહોદ જીલ્લાની પ્રજાના પરસેવો છે.તેમણે વેદના વ્યક્ત કરતા કહ્યું કે,

રોજગારીના અભાવે દાહોદ જિલ્લાના આદિવાસી લોકો પોતાના પેટનો ખાડો પૂરવા માટે ભરૂચ, સુરત, અમદાવાદ, વડોદરા અને અંકલેશ્વરમાં મજૂરી કરવા મોટા પાયે જાય છે.જ્યાં તેમનું શોષણ થાય છે.

એટલું જ નહીં તેમની મજબૂરીનો લાભ લઈને તેમની સાથે બળાત્કાર થવાના કિસ્સા પણ બને છે.આદિવાસી વિસ્તારમાં રોજગારી ન હોવાથી તેઓને અન્ય જગ્યાએ જવું પડે છે. ત્યારે તેમણે તમામ આદિવાસી ભાઈ-બહેનોને એક થઈને લડત આપવા માટે હાકલ કરી હતી. આ જનસભા અને મોટા પાયે થયેલા પક્ષપલટાને કારણે દાહોદ જીલ્લાનું રાજકારણ ગરમાયું હતું. મોટી સંખ્યામાં ભાજપ, કોંગ્રેસ અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના નેતાઓ ‘આપ’માં જોડાતા અન્ય પક્ષોમાં મોટી ચિંતા પ્રસરી હતી. ચૈતર વસાવાના કાર્યક્રમને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.